પોરબંદર : રાજાશાહી વખતથી રાજા ભોજે બંધાવેલા શિવ મંદિરને ભોજેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને રાજા ભોજ રાજ દર વર્ષે શિવરાત્રીના દિવસે અહીં પૂજન-અર્ચન કરતા તે સમયે તેઓએ શિવજીને સોના-ચાંદીના દાગીના ચઢાવેલ જે પરંપરા હાલ સુધી જળવાઈ છે. અહીંના ભોજેશ્વર મંદિરમાં શિવરાત્રીના આગલા દિવસે સરકારી તિજોરી કચેરીમાંથી પોલીસ પ્રોટેકશન સાથે આ દાગીના લાવવામાં આવે છે અને શિવરાત્રીના દિવસે શિવ અને પાર્વતીને સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવે છે.
મંદિરના પૂજારીના જણાવ્યાં અનુસાર સોનાના ઘરેણામાં સોનાનો કળશ, બીલીપત્ર, પગના ઝાંઝર, બંગડી, મુગટ અને ચાંદીના છત્રનો સમાવેશ થાય છે અને ત્રણ દિવસ સુધી ઘરેણાની રક્ષા માટે પોલીસ કર્મીઓ હાજર રહે છે. મહાશિવરાત્રીના બીજા દિવસે ફરીથી ઘરેણા પેટીમાં મૂકવામાં આવે છે અને પેટા તિજોરી કચેરીમાં એક વર્ષ સુધી રાખવામાં આવે છે અને દર વર્ષે શિવરાત્રીના દિવસે આભૂષણો ચઢાવવાની પરંપરા ચાલી રહી છે.
આ ઉપરાંત વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંદિરના પટાંગણમાં લઘુરુદ્ર હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે અને શિવજીને પ્રસન્ન કરવા 121 આ વર્તન કરી લઘુરુદ્ર હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે અને રાત્રીના મહા આરતીમાં અહીં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે.