પોરબંદર : મકરસંક્રાતિના પર્વ નિમિત્તે અનેક પક્ષીઓ પતંગની દોરીથી ઘવાતા હોય છે. આવા ઘાયલ પક્ષીઓની સારવાર માટે વન વિભાગ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત સરકાર દ્વારા પણ કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોરબંદરમાં દર વર્ષે ઘવાતા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, આ બાબતને સારો બદલાવ કહેતા પક્ષી પ્રેમીઓએ ખુશી વ્યક્ત કરી હતી.
ઘાયલ પક્ષીઓની સેવા : મકરસંક્રાંતિ એટલે કે પતંગ ઉડાડવાનો ઉત્સવ, પોરબંદરમાં સવારથી જ બાળકો, યુવાનો તથા મોટી ઉંમરના લોકો પણ પરિવાર અને મિત્રો સાથે ધાબા ઉપર ચડીને પતંગ ઉડાડવાની મોજ માણી હતી. આખો દિવસ ધાબા પર રહીને પોરબંદરવાસીઓએ આનંદ માણ્યો હતો. પરંતુ આ એક દિવસની મજા પક્ષીઓ માટે સજા રૂપ બની હતી. પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઘવાયા હતા. જોકે પક્ષી પ્રેમીઓ દ્વારા બચાવ અભિયાન અંતર્ગત પોરબંદરમાં ઘાયલ પક્ષીઓની સેવા કરવામાં આવી હતી. ઘાયલ પક્ષીઓને પક્ષી અભ્યારણ ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી.
ગત વર્ષ કરતાં આ વર્ષે ઘવાયેલા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 80 પક્ષી ઘવાયા હતા, જ્યારે આ મકરસંક્રાતિના બીજા દિવસની બપોર સુધીમાં 43 જેટલા પક્ષીઓ સારવાર માટે આવ્યા છે. જેમાંથી 15 જેટલા પક્ષીઓના મોત નીપજ્યા હતા. -- ડો. સિદ્ધાર્થ ખાંડેકર (પક્ષી પ્રેમી)
ઉમદા ઉદાહરણ : પોરબંદરની સેવાકીય સંસ્થા પ્રકૃતિ યુદ્ધ સોસાયટી દ્વારા 2009 થી પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઠેર ઠેર લોક જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. દર વર્ષે લોકોને આ પર્વમાં કયા સમયે પતંગ ઉડાડવી તેની પણ માહિતી આપવામાં આવે છે. કોઈ પક્ષી ઘાયલ હોય તો તાત્કાલિક પક્ષી અભ્યારણ ખાતે મોકલવામાં આવે અથવા સંપર્ક નંબર આપીને પક્ષીને તાત્કાલિક બચાવી શકાય તેવો પ્રયત્ન હાથ ધરવામાં આવે છે. વનવિભાગ સહિત અનેક સંસ્થાઓ પણ આ કાર્યમાં સહભાગી બને છે. દર વર્ષે લોકોનો પણ સહકાર મળી રહ્યો છે. આમ આ પર્વની ઉજવણી તો અનેક લોકોએ કરી હતી, પરંતુ એમાંથી પક્ષી પ્રેમીઓએ પક્ષીઓના જીવ બચાવીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.