પોરબંદર : પૂજ્ય ભાઈશ્રીની કાશીમાં ઉપસ્થિતિ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વમાં સુપ્રસિદ્ધ એવા બાર જ્યોતિર્લીંગમાંના એક વારાણસીના કાશી વિશ્વનાથના મંદિરમાં પૂજ્ય ભાઈશ્રીએ લઘુ રુદ્રાભિષેક કર્યો હતો. એ સાથે શિવરાત્રી મહોત્સવ અંતર્ગત ત્રણ દિવસ ચાલેલા સંગીત મહોત્સવમાં પણ પૂજ્ય ભાઈશ્રી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંગીત કલાકારોનું સન્માન કર્યું હતું. તો વારાણસીની સંપૂર્ણાનંદ યુનિવર્સિટીના વિદ્વાનોનું પણ પૂજ્ય ભાઈશ્રીએ ભાવપૂજન કર્યું હતું.
સાંદીપનિમાં મહાશિવરાત્રીના મહાપર્વમાં સાંદીપનિના શ્રી હરિ મંદિરમાં સવારે ભગવાન શ્રીચંદ્ર મૌલીશ્વર મહાદેવ પર ઋષિકુમારો દ્વારા ષોડશોપચાર પૂજન પૂર્વક લઘુરુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. એ સિવાય સાંદીપનિની યજ્ઞશાળામાં ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.
પોરબંદરથી 9 કિ.મી દુર આવેલા બાબડા ગામે કે જ્યાં સાંદીપનિ સ્થિત સંસ્કૃત પાઠશાળાની સૌ પ્રથમ શરૂઆત થઇ હતી. એવા દિવ્ય સ્થાન બાબડેશ્વર મહાદેવને ત્યાં પ્રત્યેક મહાશિવરાત્રી પર પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી ઋષિકુમારો દ્વારા લઘુરુદ્રાભિષેક કરવામાં છે. એ રીતે ત્યાં પણ 11 ઋષિકુમારો દ્વારા વિધિપૂર્વક બાબડેશ્વર મહાદેવ પર લઘુરુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો.
શ્રી હરિ મંદિરમાં સાંજના સમયે ભગવાન શ્રી ચન્દ્રમૌલીશ્વર મહાદેવના દિવ્ય દર્શનની ઝાંખી કરવામાં આવી હતી. જેનો અનેક દર્શનાર્થીઓને લાભ લીધો હતો. તેમજ દર્શનાર્થીઓને ઠંડાઈના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાયમ આરતી બાદ ભગવાન શ્રી ચન્દ્રમૌલીશ્વર મહાદેવની ચાર પ્રહારની પૂજા –અભિષેક સંપન્ન થયા અને રાત્રે 12 વાગ્યે મહાઆરતી પણ કરવામાં આવી હતી. જેના દર્શનનો ઘણા ભાવિકોએ લાભ લીધો હતો.