પોરબંદર : જિલ્લામાં શરૂઆતમાં કુલ ત્રણ પોઝિટિવ કોરોના દર્દીઓ નોંધાયા હતા. પરંતુ સારવાર બાદ તમામ દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ આવતા તમામ હોસ્પિટલમાંથી છુટા કરવામાં આવ્યા હતા. હાલ, પોરબંદરમાં એક પણ કોરોના પોઝિટિવ દર્દી નથી. જેને ધ્યાને લઈને જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં શરતોને આધીન રહી અમુક ધંધાર્થીઓને છૂટ આપવામાં આવી છે.
જેમાં સોમવારથી શનિવાર સુધી સવારે 8 થી 12 કલાક સુધી ઇલેક્ટ્રિક પંખાની દુકાન, ચશ્માની દુકાન મેડિકલ, ઇક્વિપમેન્ટની દુકાન, ખેત ઓજારોને લગતી દુકાન, ઝેરોક્ષની દુકાન, પ્રીપેડ મોબાઈલ કનેક્શન માટે રિચાર્જ સુવિધાઓની દુકાન વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પુસ્તકોની દુકાન એસી રીપેરીંગની દુકાન અને માંસ, મરઘા, માછલી વિવિધ વિસ્તારમાં રેકડી ફેરવીને વિતરણ કરી શકાશે. તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લોકોએ પણ આ જાહેરનામાનો આભાર માન્યો હતો. તેમજ વેપારીઓએ આજથી પોતાની દુકાનો ખુલ્લી રાખી હતી, અને જણાવ્યું હતું કે, તેઓ પણ લોકોને અપીલ કરશે અને વેપારીઓને પણ અપીલ કરશે કે, સોશ્યિલ ડિસ્ટન્ટનું પાલન કરવામાં આવે અને નિયમનું પણ પાલન કરવામાં સરકારને સહકાર આપવામાં તેઓ તત્પર છે.
શહેરમાં મુખ્ય વિસ્તારમાં આવેલ વાડી પ્લોટ શાકમાર્કેટમાં પણ માત્ર ને માત્ર લારી વાળાઓ જ શાકભાજી વેચી રહ્યા છે. જેમાં સોશ્યિલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ દ્વારા સદંતર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ પોલીસ દ્વારા માઈકમાં સંબોધન કરી વિનંતી કરાઇ રહી છે કે, લોકો સોશ્યિલ ડિસ્ટન્ટનું પાલન કરતા રહે અને પોરબંદરને કોરોના મુક્ત બનાવવા આ જ રીતે સહયોગ આપતા રહે તેવી અપીલ કરવામાં આવી રહી છે.