કોલકત્તાના રથીનદાસ આગાઉ પણ એકલા બાઈક પર નીકળી ટાઈગર બચાવોના સંદેશા અને wild life બચાવવાનો સંદેશો ફેલાવી લોકોને જાગૃત કર્યા હતા. જ્યારે આ વર્ષે રથીન દાસ તથા તેમની પત્ની ગીતાંજલી બાઈક પર સવાર થઈને 15 ફેબ્રુઆરીથી બીજી ટ્રીપ ચાલુ કરી છે. જેમાં કોલકત્તાથી લઈ આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી અને ત્યાંથી ગુજરાતમાં પોરબંદરના ગાંધી જન્મ સ્થળ કિર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. પોરબંદરમાં સ્કૂલોમાં જઈને ટાઈગર બચાવો અભિયાન અને વન્યજીવ બચાવો અંગેનો સંદેશો બાળકોને પાઠવ્યો હતો.
રથીન દાસે ETV Bharatને જણાવ્યું કે, તેઓ ગુજરાતથી રાજસ્થાન સહિત આ મિશનમાં 29 રાજ્યો અને સાત યુનિયન ટેરિટરીની સફરે નીકળ્યા છે. જ્યાં લોકોને wild life બાબતે જાગૃત કરી રહ્યા છે. આ મિશન ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જશે. ત્યાર બાદ આ વર્ષે તેઓ 13 જેટલા દેશોમાં યાત્રા પર નીકળશે.
રથીનદાસ તથા ગીતાંજલીએ જણાવ્યું કે, આ યાત્રા દરમિયાન વિવિધ રાજ્યોના લોકોનો અનોખો સહયોગ પ્રાપ્ત થયો છે. વિવિધ શહેરોના લોકો અને પર્યાવરણપ્રેમીઓ આ મિશનમાં જોડાય છે અને અમારી સાથે આવે છે. સ્કૂલોમાં પણ અમારી સાથે રહીને લોકોને આ બાબતે જાગૃત કરે છે. અનેક વન્ય જીવો હાઇવે પર કે કોઈ કૃત્રિમ કારણોસર મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે તેને બચાવવા પણ આપણે આગળ આવવું જોઈએ અને જંગલોને પણ બચાવશું તો વન્ય જીવો સુરક્ષિત રહેશે. પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અદા કરીએ અને ખાસ કાળજી રાખીએ કે આપણા કોઈ કાર્યમાં વન્યજીવ અથવા તો કોઈ પણ પ્રાણીઓને નુકસાન ન પહોંચે એટલું લોકોએ સમજવાની જરૂર છે.