પોરબંદરઃ જિલ્લાના સાગર ખેડૂઓને વાવાઝોડાથી થયેલા નુકસાન માટે પેકેજ જાહેર કરવા ખારવા ચિંતન સમિતિ પોરબંદર દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં વાવાઝોડાથી અને કોરોના વાઈરસથી સાગર ખેડૂઓનો ધંધો વ્યવસાય ઠપ્પ થવાથી થયેલા નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરવાની માગ કરી છે.
જિલ્લાના ખારવા ચિંતન સમિતિ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખી જણાવ્યું હતું કે, એક બાજુ કોરોના મહામારીના કારણે માછીમારીના ધંધામાં નુકસાન થયુ છે છે, તો બીજી તરફ અતિવૃષ્ટિના કારણે સાગર ખેડૂઓને નુકસાની વેઠવી પડી છે. ખાસ કરીને વાવાઝોડામાં સાગર ખેડૂઓને મોટાપાયે નુકસાન થયું છે. કોરોના મહામારી અને વાવાઝોડાથી લાખો રૂપિયાની બોટને પણ નુકસાન પહોંચ્યું છે. જેથી સાગર ખેડૂઓને વાવાઝોડાથી થયેલા નુકસાની માટે પેકેજ જાહેર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.