પોરબંદરઃ કોમી વૈમનસ્યની જેમ જૂથ વૈમનસ્ય પણ રાષ્ટ્રીય સ્તરે વ્યાપક ફરિયાદનું કારણ બનતું રહે છે. મોટાભાગે સામાન્ય લોકો વચ્ચે સામંજસ્ય પ્રવર્તતું હોય છે ત્યારે અમુક તત્વો ગેરલાભ ઉઠાવી શકતાં નથી. ત્યારે જૂથો વચ્ચે કલેશ વધે તેવા પ્રયત્નો મૂઠીભર લોકો દ્વારા કરવામાં આવતાં હોય છે. આ પ્રકારના વિરોધનો સૂર પોરબંદરના ખારવા સમાજના અગ્રણી દ્વારા ઉઠી રહ્યો છે. એટ્રોસિટીઝ એક્ટનો હથિયાર તરીકે દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ખારવા ચિંતન સમિતિ દ્વારા કલેક્ટર કચેરીએ રજૂઆત પણ કરવામાં આવી છે.
પોરબંદરમાં એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કરી અમુક લોકો દ્વારા ઘણાં લોકોને પરેશાન કરવામાં આવે છે ત્યારે ખારવા ચિંતન સમિતિએે આજે નાયબ કલેકટર રાજેશ ખન્નાને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે એટ્રોસિટી એક્ટની ફરિયાદ થાય તેમાં તટસ્થ તપાસ કરી યોગ્ય ફરિયાદ હોય તો કાર્યવાહી કરવામાં આવે. ઘણાં લોકો આ એક્ટનો દુરુપયોગ કરે છે. આથી આ એક્ટનો દુરુપયોગ બંધ કરાવવા ખારવા ચિંતન સમિતિના આગેવાનોએ માગ કરી હતી.