- ધનવંતરી રથ દ્વારા વેકસીનેશન અભિયાન
- અત્યારસુધી રથ દ્વારા 484 લોકોએ રસી લીધી
- કોમ્યુનિટી બેઇઝ માઇક્રો સાઇટ દ્રારા રસી આપાઇ
પોરબંદર : જિલ્લામાં તારીખ 18 એપ્રિલે કોરોના પ્રતિરોધક રસીકરણ અભિયાનમાં જિલ્લાના દરેક નાગરિક જોડાય અને રસી મૂકાવે તે માટે જિલ્લાતંત્ર દ્વારા ખૂબ મહત્વપુર્ણ કામગીરી હાથ ધરવામા આવી છે. તાલુકા કક્ષાએ તથા ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક/સામુહિક આરોગ્ય કેન્દ્રોની સાથે સામાજિક સંગઠનો, સંસ્થાઓના સહયોગથી ખાસ રસીકરણ કેમ્પ પણ યોજવામાં આવે છે.
જિલ્લાતંત્ર દ્વારા સ્લમ એરિયામાં કોમ્યુનિટી બેઝ માઇક્રો સાઇટ દ્વારા રસી આપવામાં આવી
આ ઉપરાંત દરેક નાગરિક કોરોના પ્રતિરોધક રસી સરળતાથી મૂકાવી શકે તે માટે જિલ્લાતંત્ર દ્વારા સ્લમ એરિયામાં જે લોકો રસીકરણ કેન્દ્ર સુધી પહોંચી શક્યા ના હોય તેમના વિસ્તારમાં જઇને કોમ્યુનિટી બેઝ માઇક્રો સાઇટ દ્વારા રસી આપવામાં આવે છે. જેથી રસીકરણમાં કોઇ વ્યક્તિ બાકી રહી જાય નહિ.
14 ધન્વંતરિ આરોગ્ય રથ પૈકી 2 રથ વેક્સિનેશનની કામગીરી માટે શરૂ કરાયા
આ માટે જિલ્લામાં કાર્યરત 14 ધન્વંતરિ આરોગ્ય રથ પૈકી 2 રથ વેક્સિનેશનની કામગીરી માટે શરૂ કરાયા છે. આ બન્ને રથ દ્વારા કોઇ એક સ્થળ પસંદ કરી રસીકરણ હાથ ધરવામાં આવે છે. તથા રસી અપાયા બાદ 30 મિનિટ સુધી લાભાર્થીને નિષ્ણાંત તબીબ દ્વારા ઓબ્જર્વ હેઠળ રાખવામાં આવે છે.
આ પણ વાંચો : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને વધુ 20 ધન્વંતરી રથની ભેટ આપી
કોમ્યુનિટી બેઇઝ રસીકરણ માટે ધન્વંતરિ આરોગ્ય રથ લોકોને ઉપયોગી થયું
ધન્વંતરિ આરોગ્ય રથ એવા લોકો માટે ખાસ ઉપયોગી બન્યો છે. જેઓ પ્રાથમિક/સામુહિક આરોગ્ય કેન્દ્રો પર પહોંચી શકવા સક્ષમ નથી. આ ઉપરાંત છેવાડાના વિસ્તરો, જુદા-જુદા સમાજ, સંસ્થાઓના સહકારથી કોમ્યુનિટી બેઇઝ રસીકરણ માટે ધન્વંતરિ આરોગ્ય રથ લોકોને ઉપયોગી થઇ રહ્યો છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ખાતે ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા રસીકરણ અભિયાન
કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ખાતે ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા સવારથી શરૂ કરાયેલા રસીકરણ અભિયાનમાં આસપાસના વિસ્તરના અનેક લોકોએ જોડાઇને રસી મૂકાવી હતી.
આ પણ વાંચો : કોરોના કાળમાં ધન્વંતરિ રથ લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે
13થી 19 એપ્રિલ સુધીમાં 484 લોકોએ રસીકરણનો લાભ લીધો
લોકોએ સ્વૈચ્છાએ રસી મૂકાવવાની સાથે મેડિકલ ટીમ અને સમાજશ્રેષ્ઠીઓની અપીલથી પણ લોકો રસી મૂકાવવા આગળ આવ્યા હતા. ડૉ.પુરોહિતના જણાવ્યા મુજબ, 13થી 19 એપ્રિલ સુધીમાં 484 લોકોએ રસીકરણનો લાભ લીધો હતો. જેમાં એક રથમાં એક તબીબ સાથે બે પેરા મેડિકલ સ્ટાફ અને 6 નગરપાલિકા સ્ટાફ જોડાયા હતા.
રેલ્વેના નિવૃત કર્મચારીએ રસીનો બીજો ડોઝ મૂકાવીને લોકોને રસી મૂકાવવા અપીલ કરી
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ખાતે ધન્વંતરિ આરોગ્ય રથ હેઠળ આરોગ્ય ટીમ દ્વારા શરૂ કરાયેલા રસીકરણ અભિયાનમાં રસી મૂકાવવા આવેલા રેલ્વેના નિવૃત કર્મચારી ખીમજી મુરબીયાએ રસીનો બીજો ડોઝ મૂકાવીને લોકોને પણ અપીલ કરી કે, ‘દરેક નાગરિક કોરોનાની રસી મૂકાવે, રસી સુરક્ષિત છે, રસી મૂકાવ્યા બાદ હું પણ સુરક્ષિત છુ, મેં રસી મૂકાવી છે તમે પણ મૂકાવીને સુરક્ષિત રહો.'
સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા આરોગ્ય કર્મીઓનું અભિવાદન કરાયુ હતુ
પોરબંદર જિલ્લામાં કાર્યરત ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા લોકોને સરળતાથી સ્થાનિક કક્ષાએ પણ રસી મૂકાવવાનો લાભ મળે છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ખાતે યોજાયેલા રસીકરણ અભિયાનમાં જિલ્લા પૂરવઠા અધિકારી વિવેક ટાંકે ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. આ તકે સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા આરોગ્ય કર્મીઓનું અભિવાદન પણ કરાયુ હતું.