ગુજરાતનાં વિધાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રે આગળ વધી શકે અને રાજ્ય અને દેશનાં વિકાસમાં પોતાનુ યોગદાન આપી શકે તે માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા વિધાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે.
રાણાભાઇ ઓડેદરાએ જણાવ્યુ કે, મારો પુત્ર રામ પ્રાથમિક ધોરણથી અભ્યાસમાં તેજસ્વી હતો. અમદાવાદ સ્થિત એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાંથી કોમ્પ્યુટર એન્જીનીયરીંગની ડીગ્રી પુર્ણ થતા પ્લેસમેન્ટમાં સિલેકશન થયું હતુ. તેને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે, વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિધાર્થીઓને રાજ્ય સરકાર 4 ટકાનાં વ્યાજે રૂ. 15 લાખ સુધીની લોન આપે છે. આ પ્રકારની લોન મળી રહે તો વિદેશમાં અભ્યાસ સરળ બની જાય છે. ત્યારબાદ લોન માટે જિલ્લા સમાજ કલ્યાણ કચેરીનો સંપર્ક કર્યો અને કચેરીના અધિકારી પી.એ. ડોબરીયાએ વિદેશ અભ્યાસ માટે મળતી લોન વિશે વિસ્તારથી માહિતી આપી હતી. લોનની અરજી મંજુર થઇ જતા મારા પુત્રને કેનેડામાં અભ્યાસ કરવા જવાની તક મળી છે.
રામભાઇના માતાએ જણાવ્યું હતું કે, કેનેડામાં છોકરાને અભ્યાસ કરાવવો એ સપનું જ કહેવાય છે. પરંતુ સરકારે મોટી રકમની લોન આપીને અમારો પ્રશ્ન ઉકેલ્યો છે. કેનેડામા છોકરાને અભ્યાસ કરાવવાનો ખર્ચ રૂ. 30 લાખ જેટલો થશે. જેમાં રાજ્ય સરકારે રૂ. ૧૫ લાખની લોન મંજુર કરીને અમારા પર ઉપકાર કર્યો છે.
કેનેડામા અભ્યાસ કરતા રામભાઇએ સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યુ કે, હું સાઉથન એલ્બરર્ય ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કોલેજમાં કોમ્પ્યુટરનો અભ્યાસ કરૂ છું. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવો સરળ નથી. આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. ઉંચી ફી, રહેવા જમવાનું, પોકેટ મની સહિત ખર્ચા કરવા પડતા હોય છે. જેની અસર અભ્યાસમાં થતી હોય છે. પ્રાઇવેટ બેંકોએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસની લોન ન આપી પરંતુ, ગુજરાત સરકારે રૂ. 15 લાખની રકમની લોન 4 ટકા જેટલા ઓછા વ્યાજના દરે મંજુર કરી છે. જેનો રૂ.7.5 લાખનો પ્રથમ હપ્તો મારા એકાઉન્ટમાં જમા થયો છે.
આ રકમ અભ્યાસ પુર્ણ થયાના એક વર્ષ પછી હપ્તા પ્રમાણે ચુકવવાની હોય છે. જેથી મારો બધો ભાર હળવો થયો છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા આર્થિક રીતે નબળા વિધાર્થીઓ પણ ગુજરાત સરકાર દ્રારા આપવામાં આવતી લોન લઇ શકે છે.