પોરબંદર: કોરોના વાઈરસની મહામારી સામે લડવા માટેના વિશ્વભરમાં અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે ભારતમાં તબીબી સેવા સાથે વહીવટી અને પોલીસ પણ રાત દિવસ આ કોરોના વાઈરસ સામેની જંગમાં જઝુમી રહ્યા છે.
આ કપરા સમયે આ કોરોના કમાન્ડોની તંદુરસ્તીની પણ ખાસ કાળજીને ધ્યાને લઈ પોરબંદરમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્રારા વૈધ પંચકર્મ અધિકારી ડો. રક્ષાબેન વૈરાટીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્રારા પોરબંદરની જિલ્લા સેવા સદન-1, જિલ્લા સેવા સદન-2, પોલીસ સ્ટેશન સહિતની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પોલીસ સહિત તમામ લોકોની રોગ પ્રતિકારક શક્તિ જળવાઇ રહે તે માટે દરરોજ ગરમ ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે.
પોરબંદર સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સ્ટાફ દ્વારા સરકારી કચેરીઓમાં અને પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ સ્ટાફ સહિત લોકોને ડોર ટુ ડોર ઉકાળાનું વિતરણ કરાઈ રહ્યું છે. કોરોના વાઈરસ સામેની જંગમાં જીતવાનું બીડુ આરોગ્ય વિભાગે ઝડપ્યું છે.