પોરબંદર: બિપરજોય વાવાઝોડાના લેન્ડ ફોલ બાદ પોરબંદર જિલ્લામાં પવનની ગતિમાં સમયાંતરે બદલાવ આવી રહ્યો છે. ક્યારેક વાતાવરણ શાંત થઈ જાય તો ક્યારેક એકાએક પવનની ગતિ તેજ બની રહી છે.
વૃક્ષો ધરાશાયી: વાવાઝોડાના લેન્ડ ફોલ બાદ સાંજના સમયે એકએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવનની ગતિ તે જ બની હતી. પોરબંદરના ખારવાવાડમાં મોટી રાંદલ પાસે એક મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ વૃક્ષ ધરાશાયી થતાં વીજપોલ પણ પડ્યો હતો. જેના કારણે આસપાસનો વીજ પુરવઠો ખોરવાયો હતો અને તાત્કાલિક પોરબંદર ખારવા સમાજના આગેવાનો તથા નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દોડી ગઈ હતી. પરંતુ સદભાગ્યે કોઈ જાન માલની નુકસાની થઈ ન હતી.
મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ: પોરબંદર શહેર તથા જિલ્લાના આસપાસના ગામડાઓમાં વૃક્ષોની પડવાની સંખ્યા વધી હતી જેના કારણે વીજ પોલ પણ ધરાશાહી થતાં મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. જ્યારે પોરબંદર પીજીવીસીએલ દ્વારા હાલ યુદ્ધ ના ધોરણે કામગીરી ચાલી રહી છે.
વાવાઝોડાની અસર રાત્રિના 5 કલાક સુધી રહેશે: હવામાન વિભાગની સૂચના અનુસાર આગામી પાંચ કલાક સુધી મધ્યરાત્રીના આ વાવાઝોડાની અસર વધુ રહેશે અને પવનની ગતિમાં પણ વધારો થશે તેવી શક્યતાઓ વર્તાઈ છે. આ ઉપરાંત ભારતીય અતિ ભારે વરસાદ આગામી સમયમાં આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
રસ્તો બંધ કરવામાં આવ્યો: પોરબંદરથી સોમનાથ જતા રસ્તા પર મોટા પ્રમાણમાં વૃક્ષો આવેલા હોય અને લોકોના જીવને મુશ્કેલી હોય જેના કારણે વાવાઝોડાના સમયે પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરના સિકોતેર માના મંદિરથી દાદીમાના દેશી ભાણા હોટલ સુધીનો રસ્તો આજથી 15 જૂન 2023 થી સામાન્ય પરિસ્થિતિ ન આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત વૈકલ્પિક રસ્તા તરીકે પોરબંદર દ્વારકા હાઇવે પરથી લોકો પસાર થઈ શકે છે. તેમ પોરબંદરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની યાદીમાં જણાવાયુ હતું.