પોરબંદર/ સુરતઃ ગુજરાત ATSએ ISKPના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSની ટીમે પકડેલા શખ્સોનું આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં કુલ 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે એક વ્યક્તિ હજુ ફરાર છે. પકડાયેલા આરોપીઓમાંથી 3 કાશ્મીરના છે જ્યારે બે વ્યક્તિ સુરતની છે.
પૂછપરછમાં મોટા ખુલાસા: આ મામલે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ઝુબેર અહેમદ મુનશી અને સુમેરાબાનું મોહમ્મદ હનીફ મલેક પણ ISKPના જ મોડ્યુલના સભ્યો છે, તેમજ અટકાયત કરવામાં આવેલા ત્રણેય વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે. જેના આધારે ગુજરાતી એટીએસની ટીમે સુમેરાબાનું મલેકના ઘરે દરોડો પાડ્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમા ISKPના ઘણા રેડીકલ પ્રકાશનો જેમ કે વોઇસ ઓફ ખોરાસન વગેરે મળી આવ્યા હતા. સુમેરાબાનુ મલેકની વધુ પૂછપરછમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે હેન્ડલર સાથે સંપર્કમાં હતી અને કાશ્મીરી વ્યક્તિ ઝુબેર અહેમદ મુનશી સાથે પણ નજીકના સંબંધમાં હતી. તેના રહેઠાણમાંથી કથિત રીતે ISKPના નેતા પ્રત્યે અને તેની વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી આવી છે.
અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી: પોરબંદર ખાતે અટકાયતમાં લેવાયેલા ત્રણેય કાશ્મીરી યુવાનોના સામાન અને બેગની તપાસમાં અનેક અંગત ઓળખના દસ્તાવેજો, ડિજિટલ કોમ્યુનિકેશન ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન ટેબલેટ અને છરી જેવા તિક્ષ્ણ હથિયારો પણ મળ્યા છે. તેમજ આરોપીઓના ક્લાઉડ સ્ટોરેજમાં એકાઉન્ટને એક્સેસ કરતા પોલીસને આ વ્યક્તિઓના ISKP ના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફ્સ અમીરુલમોમીનીન (કમાન્ડર ઓફ ધ ફેથફુલ ઓર લીડર)ની બાયા'હ (નિષ્ઠાના શપથ) આપતા ચાર કાશ્મીરી યુવાનોના વિડીયો તેમજ તેમના બાયા'હની ઓડિયો ક્લિપ્સ તેમાં તેઓએ ખોરાસનમાં હિજરત કરી છે તેવો ઉલ્લેખ કરતી ફાઈલો પણ મળી આવી છે.
શું હતો પ્લાન?: વધુમાં તેઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેઓને તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા પોરબંદર પહોંચાડવાની સૂચના આપવામાં આવી હતી અને જ્યાંથી તેઓ મજૂર તરીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા. આ બોટ અને તેના કપ્તાનનો ઉપયોગ કરીને તેઓને આપેલા પૂર્વ નિર્ધારિત જીપીએસ કોઓર્ડીનેટર સુધી પહોંચાડવાના હતા અને જ્યાં તેઓને ધો (DHOW) દ્વારા ઈરાન લઈ જવામાં આવનાર હતા. આ લોકોને પછી નકલી પાસપોર્ટ આપવાના હતા, જેનો ઉપયોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસાન પહોંચવાના હતા. ત્યારબાદ તેઓએ ઇસ્લામિક એમિરાત ઓફ અફઘાનિસ્તાનમાં ISKP વતી તેના આતંકવાદી કૃત્યમાં ભાગ લેવાનો હતો અને સહાદત હાંસલ કરવાની હતી. હેન્ડલર અને ISKP દ્વારા તેમની શહાદતને જાહેર કરવા માટે તેઓના પૂર્વ રેકોર્ડ કરેલા નિવેદનો ફોટોગ્રાફ વિડીયો અને દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો હતો.
કેટલા આરોપીઓઃ ગુજરાત એટીએસની ટીમે એક ગુપ્ત ઑપરેશન કરીને પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાંથી એક મહિલા છે. જેનું નામ સુમેરાબાનું છે. પકડાયેલા વ્યક્તિઓમાંથી ત્રણ વ્યક્તિઓ અફઘાનિસ્તાન ભાગવાની ફિરાકમાં હતા. આ માટે ખાસ યોજના પણ બનાવીને રાખી હતી. તેઓ અફઘાનિસ્તાન ભાગે એ પહેલા જ ગુજરાત એટીએની ટીમે એની ધરપકડ કરી છે.
કેવી રીતે પકડાયાઃ સમગ્ર કેસ અંગે પત્રકાર પરિષદ યોજી ગૃહપ્રધાન તથા ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, પ્રતિબંધિક આતંકી સંગઠન આઈએસકેપીના જોડાયેલા આતંકીઓ ભારતમાંથી ગુજરાત બોર્ડરથી ભાગવાની ફિરાકમાં હતા. ઈનપુટ મળ્યા બાદ ઑપરેશન પ્લાન કરાયું હતું. સુરતમાંથી સુમેરા નામની મહિલાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં એના ઘરેથી આતંકી સંગઠનનું સાહિત્ય મળી આવ્યું હતું. જેની સઘન 6 કલાક પૂછપરછ કરતા અન્ય જોડાયેલા વ્યક્તિઓના નામ ખુલ્યા. જે પોરબંદરથી ભાગવાની તૈયારમાં હતા. પછી પોરબંદર ટીમ રવાના કરી પકડી લેવામાં આવ્યા છે.
કોણ છે સુમેરાઃ એટીએસ દ્વારા જે સુમેરાબાનોની ધરપકડ કરવામાં આવી છે તે માત્ર ધોરણ 12 કોમર્સ સુધી ભણેલી છે. તમિલનાડુ ખાતે થયેલા લગ્ન બાદ અઢી વર્ષ પહેલા છૂટાછેડા લઈને તે સુરત આવી હતી. તેના આઠ અને ચાર વર્ષના બે સંતાન છે. તે હાલ પુરા વિસ્તાર ખાતે સૈયદ પુરા વિસ્તાર ખાતે આવેલાં ફિઝા એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતી હતી. 2 BHK ફ્લેટમાં તે પોતાના પિતા અને માતા સાથે રહેતી હતી. પિતા હનીફભાઈ ડાક વિભાગમાં નોકરી કરતા હતા અને હાલ રિટાયર્ડ છે અને તેમના પેન્શન થી ઘર ચાલે છે.
આતંકી ક્નેક્શનઃ પકડાયેલા તમામ વ્યક્તિઓ સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ (ISKP) સાથે જોડાયેલા હતા. જે તમામ સભ્યો સંગઠનમાં સક્રિય હતા. પોરબંદરથી ભાગે એ પહેલા એ તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. આ તમામ છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. આ પહેલા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં ISIS સાથે જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા 3 લોકોની ઓળખ સૈયદ મામૂર અલી, મોહમ્મદ આદિલ ખાન અને મોહમ્મદ શાહિદ તરીકે થઈ હતી. મહત્વનું છે કે એટીએસની ટીમ છે ઘણા સમયથી પોરબંદર તેમજ આસપાસના વિસ્તારમાં ઓપરેશન માટે સક્રિય થઈ હતી.