પોરબંદર: પોરબંદરના ભડ ગામમા આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું ધોરણ-10ના 43 વિદ્યાર્થીઓમાંથી 42 વિદ્યાર્થીઓ પાસ થઇને શાળાનું 97.67 ટકા પરિણામ આવ્યુ છે.
98.15 પર્સનટાઇલ સાથે શાળામાં પ્રથમ આવનાર બારડ દિનેશે કહ્યું કે, વિદ્યાર્થીઓનું સારૂ પરિણામ આવે તે માટે શાળામાં શિક્ષકો પૂરતું માર્ગદર્શન આપે છે. વિજ્ઞાનના શિક્ષક ચેતન વિરાણી સર રવિવારના દિવસે પણ ભણાવતા પરિણામે મને સૌથી વધુ માર્કસ વિજ્ઞાનમાં આવ્યા છે. હું સરકારી શાળા કોલેજમાં રહીને સાયન્સમાં આગળ અભ્યાસ કરવા ઇચ્છુ છું.
દરજી કામ અને ખેતીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા નારણભાઇ બારડે કહ્યું કે, મારો પુત્ર દિનેશ શાળમાં પ્રથમ આવ્યો છે, તે અમારા માટે ખુબજ આનંદની વાત છે. વગર ટ્યુશને સરકારી શાળાના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન તથા પોતાની મહેનતના કારણે દિનેશે શૈક્ષણિક કારકિર્દીનુ પ્રથમ પગથીયું પાર કર્યુ છે.
ગુજરાતના વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધે તથા તેઓને શાળા કોલેજોમાં કેળવણી યુક્ત શિક્ષણ મળે અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ તથા વિદેશ અભ્યાસ માટે સરકાર સહાય કરી રહી છે.
શાળાના આચાર્ય ભરતભાઇ જાડેજાએ કહ્યું કે, સરકારી શાળામા ધોરણ-10માં 43 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. જેમા 42 વિદ્યાર્થીઓ પાસ થતા વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળાના શિક્ષકોની મહેનત રંગ લાવી છે.
ભરતભાઇએ કહ્યું કે, અમારો પ્રયાસ એવો હોય કે શાળાનો એકપણ વિદ્યાર્થી નાપાસ ન થાય. દરેક વિધાર્થી પાસ થાય તે માટે વિદ્યાર્થીઓને શિક્ષકોનુ સતત માર્ગદર્શન પૂરું પાડવામા આવે છે.