પોરબંદરઃ જિલ્લાના સુન્ની અંજુમન ઇસ્લામના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નગરસેવક હાજી ઇબ્રાહિમખાન પઠાણનું હાર્ટએટેકથી મોત થતા ભત્રીજાને પોલીસે માર મારતા એટેક આવ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.
પોરબંદરની સર્વોચ્ચ સુન્ની મુસ્લિમ સંસ્થા સુન્ની અંજુમન ઇસ્લામના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નગર સેવક અને સમસ્ત સિપાહ જમાતના પૂર્વ પ્રમુખ જનાબ હાજી ઇબ્રાહિમખાન પઠાણનું એટેક આવતા નિધન થયું હતું.
લોકડાઉનનાં નિયમોને લીધે પૂર્વ નગર સેવક હાજી ઇબ્રાહિમખાન પઠાણના ભત્રીજા ઘરે ચણા બટેટાનું પાર્સલ બનાવીને વેચતા હતા. ત્યારે પેટ્રોલીંગમાં નીકળેલા પોલીસ કોન્સ્ટેબલે હાજી ઇબ્રાહિમખાન પઠાણના ભત્રીજાને ધમકાવીને માર મારતા હાજર હાજી ઇબ્રાહિમખાનને લાગી આવતા તેનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.
પોલીસ દ્વારા ભત્રીજાને માર માર્યા બાદ ધમકી અપાતા હાજી ઇબ્રાહીમખાન પઠાણને લાગી આવતા મોત નિપજ્યાનો આક્ષેપ હાજી ઇબ્રાહીમખાન પઠાણના પરિવારજનોએ કર્યો છે અને આક્ષેપ કરતી અરજી કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં આપી તપાસ કરીને પગલાં લેવા માંગણી કરી હતી.
તેઓ પોરબંદરના સમાન્ય અગ્રણી હતા અને સમસ્ત સિપાઇ જમાતના પૂર્વ પ્રમુખ પણ હતા. તેઓની નમાઝે જનાઝા આજે સવારે 9 વાગ્યે પઢવામાં આવી હતી. બીજી તરફ તેઓની સારી એવી સુવાસના લીધે મુસ્લિમ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી અને પોલીસની વર્તમાન કામગીરી પ્રત્યે સુન્ની મુસ્લિમ સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.
આ ઘટના નિમિત્તે બનનારા પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક પગલા લેવામાં નહીં આવે તો મુસ્લિમ સમાજ ઉચ્ચ સ્તર સુધી રજૂઆત કરશે. તેવું પણ જાણવા મળી રહ્યું છે. ફરિયાદ અરજી આપવા માટે પોલીસ સ્ટેશન સુન્ની અંજુમન ઇસ્લામ વહીવટદાર જનાબ હાજી સબીર ભાઈ હામદાણી, ડો. અલ્તાફભાઈ રાઠોડ, સુન્ની અંજુમન ઇસ્લામના પૂર્વ ઉપ પ્રમુખ હાજી ઈબ્રાહીમભાઈ સંઘાર, મેમણ જમાતના પ્રમુખ હાજી યુસુફભાઈ નુરી, સુન્ની અંજુમન ઇસ્લામના પૂર્વ સેક્રેટરી આરીફભાઈ સુર્યા, ફેજલ ભાઈ હાલા પણ ગયેલા અને ઉગ્ર રજૂઆત કરી હતી.