પોરબંદરઃ પોરબંદરથી 32 કિમી આસપાસ અનેક ગામડાઓમાં આજે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. ડિઝાસ્ટર કચેરી દ્વારા મળતી માહિતી અનુસાર, પોરબંદરમાં રાત્રે 1 વાગ્યે 1.8ની તીવ્રતાનો સવારે 8.05 વાગ્યે 3.3 તીવ્રતાનો અને સવારે 8.25 વાગ્યે 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
પોરબંદરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી દ્વારા જણાવ્યા અનુસાર, 9 ઓકટોબરે પોરબંદરથી 32 કિમી આસપાસ ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે સામાન્ય પ્રકારનો આંચકો હોવાથી લોકો પણ આ આંચકાથી અજાણ હતા. ભૂકંપના આંચકાની ભોમિયાવદરમાં વધુ અસર હોવાનું જાણવા મળ્યું હતું.
8 ઓક્ટોબરે બપોરે 12.45 વાગ્યે પોરબંદરના બરડા પંથકના સોઢાણા, નાગકા સહિતના ગામોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂંકપની તીવ્રતા 1.6ની હોવાનું ડિઝાસ્ટર કચેરીના અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે ભૂકંપનું એપી સેન્ટર ભાણવડ નજીકનું લાલપુર ગામ હોવાનું સામે આવ્યું હતું. જોકે આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહતી. આમ, છેલ્લા ત્રણ દિવસમાં ભૂકંપના 5થી 6 આંચકા આવવાથી લોકોમાં ભય ઘર કરી ગયો છે.