- પોરબંદરમાં અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓમાં ઘટાડો
- હોટલ બિઝનેસમાં મંદી
- પ્રવાસન ઉદ્યોગ ફરી ધમધમે તેવા સરકાર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવે તેવી માગ
પોરબંદર : 'કુછ દિન તો ગુજારો ગુજરાત મેં' આ શબ્દોના જાદુ થકી અમિતાભ બચ્ચને ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગમાં વધારો કર્યો હતો અને પ્રવાસન સ્થળો પર હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોની આવકમાં વધારો થયો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે પ્રવાસન ઉદ્યોગ ઠપ થયો છે. ત્યારે સરકાર દ્વારા યોગ્ય ગાઇડલાઇન મુજબ ફરીથી પ્રવાસન ઉદ્યોગ ધમધમે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી છે.
મોટા ભાગની ટ્રેન હજૂ બંધ હોવાથી પ્રવાસીઓમાં ઘટાડો
હવે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વિવિધ પ્રવાસન સ્થળો પર સેનિટાઇઝર, ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અન્ય રાજયોમાંથી આવતી મોટા ભાગની ટ્રેન હજૂ બંધ હોવાને કારણે પ્રવાસીઓમાં ઘટાડો નોંધાયો છે.
કીર્તિમંદિરમાં પ્રવાસીઓની પાંખી હાજરી
પોરબંદર જિલ્લાની વાત કરીએ તો, સોમનાથ દ્વારકાના દર્શનાર્થે આવતા પ્રવાસીઓ પોરબંદરમાં અચૂક રોકાય છે, પરંતુ કોરોના મહામારીને પગલે અન્ય રાજ્યમાંથી આવતી ટ્રેન હજૂ સુધી બંધ હોવાના કારણે પ્રવાસીઓમાં ઘટાડો નોંધાયો છે. પોરબંદરમાં આવેલા કીર્તિમંદિર દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ હવે પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળે છે. હૈદરાબાદથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, તેમને ગુજરાતના અનેક સ્થળોની મુલાકાત લીધી છે. તમામ સ્થળો પર કોરોનાની ગાઈડલાઈન મુજબના નિયમોનું પાલન થઈ રહ્યું છે. લોકોએ પણ કોરોનાના ભય વગર આ સ્થળોની મુલાકાત લેવા જેવી છે.
સરકાર દ્વારા ટેક્સમાં કોઈ યોગ્ય રાહત અથવા પ્રવાસન યોજના અંતર્ગત લાભ આપવામાં આવે, તેવી માગ
કોરોનાને કારણે પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલો હોટલ બિઝનેસને પણ ફટકો પડ્યો છે. એક સમય હતો, જ્યારે તહેવારોના દિવસોમાં હોટલો ગ્રાહકોથી ભરચક રહેતી. પરંતુ કોરોનાને કારણે લોકડાઉન બાદ 5 ટકા ગ્રાહકો પણ આવતા નથી, તેમ હોટલ માલિકોએ જણાવ્યું હતું. ત્યારે લોકડાઉન દરમિયાન અને ત્યાર બાદ મોટાભાગના હોટલ બિઝનેસ ધરાવતા લોકોને નુકસાન થયું હોવાથી સરકાર દ્વારા ટેક્સમાં કોઈ યોગ્ય રાહત અથવા પ્રવાસન યોજના અંતર્ગત લાભ આપવામાં આવે, તેવી માગ પણ હોટલ માલિકોએ કરી છે.