પાટણઃ જિલ્લાની ધારપુર હોસ્પિટલના covid-19 વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓને પડતી મુશ્કેલીઓના મુદ્દે પાટણ કોંગ્રેસ દ્વારા ધારપુર હોસ્પિટલની સામે પ્રતિક ઉપવાસ પર ઉતરી હોસ્પિટલમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માગ કરી હતી.
જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 600થી વધુ થઈ છે. સાથે જ 50 લોકોના મોત પણ થયા છે, ત્યારે ધારપુર સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોવિડ 19 ના વોર્ડમાં દર્દીઓને આરોગ્યલક્ષી યોગ્ય સારવાર અને સુવિધાઓ આપવામાં આવતી નથી. જેના કારણે દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
હોસ્પિટલના વોર્ડમાં બેડની સંખ્યા ઓછી હોવાને કારણે કોરોના પોઝિટિવ કેટલાક દર્દીઓને દેખાવ પૂરતી જ સારવાર આપી ડિસ્ચાર્જ કરવામાં આવે છે. આ તમામ બાબતોને લઇ રવિવારે ધારપુર સિવિલ હોસ્પિટલની સામે કોંગ્રેસના આગેવાનો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા અને હોસ્પિટલમાં પાંચ ફિઝિશ્યન ડોક્ટરની ભરતી કરવામાં આવે, બેડની સંખ્યામાં વધારો કરવામાં આવે, તેમજ કોરોનાને લગતી દવાઓ અને ઈન્જેકશનો પૂરતા પ્રમાણમાં હોસ્પિટલમાં જ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માગ કરી હતી.
કોંગ્રેસ આગેવાનોના ધરણા ને લઇ ધારપુર સિવિલ હોસ્પિટલના ડીન ગોસ્વામી તેમની પાસે દોડી આવ્યા હતા અને આ બાબતે યોગ્ય ઉકેલ લાવવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી. તો પોલીસ દ્વારા ધરણા પર બેઠેલા 6 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.