પોરબંદર : બિપરજોય વાવાઝોડા બાદ પોરબંદર જિલ્લામાં અનેક ગામો તથા શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ પુરવઠો કાર્યરત કરવા માટે PGVCL ની ટીમ કામે લાગી હતી. ત્યારે હવે વરસાદની સિઝન શરૂ થઈ છે. ભવિષ્યમાં વીજળીનો ફોલ્ટ આવે તેને તાત્કાલિક રીપેર કરી શકાય તે માટે PGVCL ની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવા જિલ્લા કોંગ્રેસે માંગ કરી છે.
કોંગ્રેસની માંગ : પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પોરબંદર બગવદર સબ ડિવિઝન હેઠળના બરડા વિસ્તારમાં મોટાભાગના એગ્રી ફીડરમાં વીજ પ્રવાહ બંધ છે. દરિયાકાંઠાના ગામોમાં પણ વીજ પુરવઠો ઠપ છે. વાવાઝોડાના અસર પછી ઠપ થયેલ વીજ પુરવઠામાંથી લગભગ 95% ગ્રાહકો સુધી વીજ પુરવઠો પહોંચ્યો હતો. પાંચ ટકા ગ્રાહકો સુધી પહોંચ્યો ન હતો. ત્યારે ફરી વરસાદ શરૂ થતાં ગઈકાલે મોટાભાગના એગ્રીકલ્ચર ફીડર બંધ થઈ ગયા છે. રીપેરીંગ માટે ટીમો નહીવત હોવાના કારણે ફીડર રીસ્ટોર થતા નથી. તેઓએ માંગ કરી હતી કે ચોમાસા દરમિયાન દરેક સબ સ્ટેશન પ્રમાણે સ્ટેન્ડબાય ટીમ મૂકવામાં આવે. જેથી વીજ પુરવઠો સમય મર્યાદામાં રીસ્ટોર કરી શકાય.
ચોમાસા માટે તૈયારી : રામદેવ મોઢવાડિયાએ વધુમાં કહ્યુ હતુ કે, હવામાન ખાતા સાથે PGVCL સંકલન કરીને વરસાદની શક્યતા હોય ત્યાં તકેદારી રાખે. યોગ્ય સમયગાળામાં રીપેરીંગની ટીમ સ્ટેન્ડ બાય રાખવી જોઈએ. ગ્રાહકો પાસેથી ઊચા વીજ દર ઉઘરાવવામાં આવે છે. પરંતુ ફોલ્ટ રીપેરીંગ કરવા માટે બે બળી ગયેલા ટ્રાન્સફોર્મર બદલતા ઘણા દિવસો લાગી જાય છે. આથી શીંગડા સબ સ્ટેશન, આંબારામ સબ સ્ટેશન, ખાંભોદર સબ સ્ટેશન, વિસાવાડા સબ સ્ટેશન, બોખીરા સબ સ્ટેશન સહિત તમામ એગ્રીકલ્ચર ફીડર વાળા સબ સ્ટેશનમાં રીપેરીંગની ટીમ આઉટસોર્સિંગમાંથી મૂકવામાં આવે. જેથી વરસાદ દરમિયાન વાડી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાય નહીં.
હાલ માત્ર આઠ થાંભલાઓ એપ્રોચેબલ ન હોવાથી તેનું રીપેરીંગ બાકી છે. જેમાંથી માંગરોળના સાંઢા વિસ્તાર અને મિયાણી ગામે ત્રણ થાંભલા રીપેર કરવાના બાકી છે. વાવાઝોડામાં PGVCLના કુલ 8.8 કરોડનું નુકસાન થયું છે.-- જે.બી કષ્ટા (અધિક્ષક ઈજનેર, PGVCL)
PGVCL એક્શન મોડ : બિપરજોય વાવાઝોડામાં ભારે પવનના કારણે પોરબંદર PGVCL વર્તુળ કચેરી અંતર્ગતના વિસ્તારમાં 2185 વીજ થાંભલાઓ પડી ગયા હતા. જ્યારે 78 ટ્રાન્સફોર્મર પડી ગયા હતા. વીજ પુરવઠાને પૂર્વરત કરવા માટે PGVCL કોન્ટ્રાક્ટરોની 58 ટીમ કામે લાગી ગઈ હતી. 16 તારીખે ત્રણ વાગ્યે શહેરનો વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો હતો. 17 જૂન 2023 ના રોજ શહેર તથા ગામડાનો વીજ પુરવઠો પૂર્વવત્ કર્યો હતો.