જામનગર ઇન્કમટેકસ સર્કલના આસીસ્ટન્ટ કમીશ્નર નરેન્દ્ર નિખારે પોલીસ ફરિયાદ નોધાવી છે કે, વનાણામાં આવેલ ડી.આર. ગારમેન્ટ પ્રા.લી.ના ડાયરેકટર ડાયાભાઇ અરશી ચગન ઉર્ફે લક્ષ્મણ અરશી ઓડેદરાએ પોતાના આ બન્ને નામનો ઉપયોગ કરી અલગ-અલગ નામથી બે પાનકાર્ડ કઢાવ્યા હતા. ઇન્કમટેકસ એકટ 1961માં થયેલી જોગવાઇ વિરૂદ્ધ પોતાના અને ઉર્ફે નામથી મેળવેલા આ બે પાનકાર્ડ કઢાવવા સુધી સીમીત રહ્યો ન હતો. પરંતુ, તેમણે પાનકાર્ડ નંબર A.P.G.P.C 26911 D.R ગારમેન્ટ પ્રા.લી. પોરબંદરના નાણાકીય વ્યવહાર માટે ઉપયોગ કરેલ અને લખમણ અરશી ઓડેદરાના પાનકાર્ડ નં. A.B.A.P 02429 ઇ થી અન્ય નાણાકીય વ્યવહારો માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો હતો.
આરોપી બ્રિટીશ નાગરીક છે. અને ડાયા અરશી ચગનના નામનો પાસપોર્ટ ધરાવે છે. જે તેને વિદેશી નાગરીક દશાર્વતો હોવાથી નિયમ અનુસાર વિદેશી નાગરીક ભારતમાં જમીન લે-વેચ કરી શકતો નથી. ભારત સરકારના નિયમો, કાયદાઓને અવગણીને છેતરપીડી કરીને પોતાના અન્ય લક્ષ્મણ અરશી ઓડેદરા નામે બીજું પાનકાર્ડ ગેરકાયદેસર રીતે કઢાવીને આર્થિક ઉપયોગ કરવા માટે મેળવ્યું હોવાનો ગુનો નોંધાયો છે. પોલીસે આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.