પોરબંદરઃ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા COVID-19 વાઇરસ સંક્રમણ અટકાવવા 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. મુખ્ય રાજ્યવેરા કમિશ્નર જે.પી.ગુપ્તાએ પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ તથા મોરારજી ખેરાજ ઠકરાર હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
આઇસોલેશન વોર્ડ તેમજ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે કલેકટર ડી.એન. મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી સાથે સમીક્ષા કરી હતી.
નવી હોસ્પિટલમાં દર્દીઓને જે સગવડ જોઇએ તે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આપણે આશા રાખીએ કે, પોરબંદરમાં કોરોના વાઇરસનો એક પણ પોઝિટિવ કેસ ભવિષ્યમાં નોંધાય નહીં, તેમ છતાં જરૂર લાગે તે સંજોગોમાં બધી રીતે દર્દીઓને ચોક્કસ અને સારી સારવાર આપી શકાય. તે માટે પોરબંદર જિલ્લા વહીવટીતંત્રએ કરેલી કામગીરી શ્રેષ્ઠ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વરિષ્ઠ અધિકારી જે.પી.ગુપ્તાને રાજ્ય સરકાર દ્વારા COVID-19 અંતર્ગત દરેક જિલ્લામાં તૈયાર કરાયેલી 100 બેડની હોસ્પિટલ, અંતર્ગત રાજ્યનાં 14 જિલ્લાઓમાં કોરોના અંતર્ગત ખાનગી હોસ્પિટલો ઉભી કરવાની તથા તે હોસ્પિટલોને સુવિધા સંપન્ન તથા મોનીટરીંગ કરવાની જવાબદારી રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવી રહી છે.
આ પ્રસંગે વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવા ડૉ. રૂપાલી મહેતા, જોઇન્ટ કમિશ્નર જી.એસ.ટી કમલ શુક્લ, આસીસ્ટન્ટ કમિશ્નર જનક ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર તન્ના, આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.