પોરબંદર: ભારત પાકિસ્તાનની જળ સીમા પરથી વારંવાર ભારતીય માછીમારોને ગેરકાયદેસર માછીમારી કરતા ઝડપી લેવામાં આવે છે. માછીમારોને પાકિસ્તાનની જેલમાં પૂરી દેવામાં આવે છે. ત્યારે વર્ષ 2022 માં કોડીનારના એક ખલાસીને ઝડપી લીધો હતો. જેનું કરાચીની જેલમાં બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું હતું. અનેક રજુઆતો બાદ મૃતકનો પાર્થિવ દેહ એક માસ બાદ ભારત લાવવામાં આવશે.
'પાકિસ્તાનની જેલમાં હજુ 253 જેટલા ભારતીય માછીમારો સબળે છે. 1100 થી વધુ ભારતીય બોટ પણ પાકિસ્તાનમાં જપ્ત છે. પાકિસ્તાન સરકાર દ્વારા ગત જુલાઈના રોજ 100 જેટલા માછીમારોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેની યાદીમાં જગદીશનું 97 મુ નામ પણ હતું. પરંતુ કોઈ કારણે આ નામ રદ કરવામાં આવ્યું હતું. જો ત્યારે યાદીમાંથી નામ ન કાઢ્યું હોત તો આજે જગદીશ જીવંત હોત.' -જીવનભાઈ જુંગી, સભ્ય, ભારત પાકિસ્તાન પબ્લિક પીસ ફોરમ
મૃતદેહ કોડીનાર પહોંચશે: પરિવારથી દૂર માછીમારી કરવા જતા ક્યારે પકડાશે તેની ખબર ન હતી. પરંતુ વર્ષ 2022 માં કોડીનારના નાનાવાડા ગામનો જગદીશ મંગલભાઈ બામણીયા નામનો યુવાન મહા કેદારનાથ બોટમાં માછીમારી કરતો હતો. તે દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા તેની બોટને ઝડપી લેવાઈ હતી. માછીમારોને પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યા હતા. વર્ષ 2022 માં ઝડપાયેલ માછીમાર જગદીશ મંગલભાઈ બામણીયાનું પાકિસ્તાનની કરાચી જેલમાં બીમારીના કારણે મોત નીપજ્યાના સમાચાર મળતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. માછીમાર અગ્રણી અને ભારત પાકિસ્તાન પબ્લિક પીસ ફોરમના સભ્યએ અનેક વાર માછીમારનો મૃતદેહ ભારત લાવવા પ્રયત્નો કર્યા હતા. અંતે આગામી તારીખ 16 સપ્ટેમ્બર ના રોજ ભારતીય માછીમારનો મૃતદેહ ભારત પરત આવશે.