- ચૂંટણીનું મનદુઃખ રાખીને પ્રતિસ્પર્ધીએ કર્યો હુમલો
- ઉપપ્રમુખ સહિતનાઓને પોરબંદર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા
- ભાજપના આગેવાનો હોસ્પિટલમાં દોડી ગયા
પોરબંદર: કુતિયાણા તાલુકા પંચાયતના નવનિયુક્ત ઉપપ્રમુખ ભુરી વિરમ વાસણ અને તેના પતિ સહિત 4 લોકો પર ફરેર ગામે તેના જ પ્રતિસ્પર્ધી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મહિલા ઉપપ્રમુખ અને તેના પતિ સહિત 4 લોકોને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કુતિયાણા પોલીસે આ અંગે 7 વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: જયપુરમાં મહિલા પર ચૂડેલ હોવાનો આરોપ લગાવી ચોખાનું ગરમ પાણી નાખી કર્યો હુમલો
પ્રતિસ્પર્ધીના ઘર સામે જ બોલાચાલી થઈ
કુતિયાણા પોલીસ તરફથી મળતી માહિતી મૂજબ, તાજેતરમાં યોજાયેલી કુતિયાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફરેર ગામના ભૂરીબેન વાસણ ભાજપમાંથી અને ફરેર ગામના જ ભૂરીબેન કાંધા વાઢીયાએ કોંગ્રેસ માથી ફોર્મ ભર્યું હતું. ત્યારે, તે ચૂંટણીમાં ભુરીબેન વાસણ વિજેતા બન્યા હતા. 24 માર્ચે સવારે 10 વાગ્યે મહિલા ઉપપ્રમુખ ભુરીબેન વાસણ અને તેના પતિ વિરમ વાસણ તેના સગા જગદીશના ઘરે ચા પીવા ગયા હતા. સબંધીની સામે કોંગ્રેસના આગેવાન રહેતા હોવાથી કાંધા વાઢીયા ઉશ્કેરાયા હતા અને ત્યારબાદ, સમાધાન માટે વાત કરતા બોલાચાલી થઈ હતી. આ બાદ, મહિલા ઉપપ્રમુખ અને તેના પતિ સહિત 4 લોકોને માથા તેમજ પગમાં પાઈપ, કુહાડી અને લાકડીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: છત્તીસગઢમાં નક્સલીઓએ જવાનોની બસ પર કર્યો હુમલો, 5 સૈનિકો શહીદ
પોરબંદર હોસ્પિટલમાં ખસેડાયા
ઇજાગ્રસ્તોને તાત્કાલિક કુતિયાણા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે પોરબંદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં, ઘટનાની જાણ થતા ભાજપના આગેવાનો દોડી ગયા હતા. વિરમ વાસણે પ્રતિસ્પર્ધી ભુરીબેન વાઢીયા સહિત 7 સામે ફરિયાદ નોંધાવી છે. કુતિયાણા પોલીસે આ ઘટનામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.