પોરબંદરઃ જિલ્લાના રાણાવાવ- કુતિયાણા તાલુકામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનને પગલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડીયા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથા ઓડેદરા સહિતના આગેવાનોએ રાણાકંડોણા ગામની મુલાકાત લીધી હતી. અર્જૂન મોઢવાડીયાએ ખેડૂતોને થયેલા નુકસાન અને જમીન ધોવાણ જેવા વર્તમાન પ્રશ્નો સરકાર સુધી પહોંચાડશે તેમ જણાવ્યું હતું.
અર્જૂન મોઢવાડીયા અને કોંગ્રેસ આગેવાનોએ ઠોયાણા, ભોડદર, મહિયારીર, નેરાણા, એરડા, દેરોદર, લુસારા, ભડ, મિત્રાડા, તેમજ ગરેજ ગામની મુલાકાત લીધી હતી. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે, તેમજ ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી ડેમ છલકાતા નદીના પાણી ઘેડ વિસ્તારમાં ફરી વળ્યા છે.
પોરબંદરના ઘેડ વિસ્તારમાં તથા બરડા પંથકમાં ઉપરવાસમાં પડેલા પાણીનાં કારણે ભાદર, વેણુ, મીનસાર નદીના પાણી નીચાણવાળા વિસ્તારની આસપાસ આવેલા ખેતરોમાં સોથ વાળ્યો છે. ખેડૂતોના ખેતરમાં વાવેતર કરાયેલી મગફળી તથા કપાસના પાકને નુકસાન થવાની સાથે જમીનનું પણ ધોવાણ થયું છે.
આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અને પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ત્યારે ખેડૂતોએ નુકસાની અંગે વિગતો કોંગ્રેસના આગેવાનોને આપી હતી અને સરકારે સહાય માટેના જે નિયમો કર્યા તે માત્ર કાગળ પર હોય તેમ સાબિત થયા છે.
તાત્કાલિક વળતર ચૂકવવા અંગે કોઈ કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી નથી. અત્યારે ખેડૂતોની આ રજૂઆત સાંભળી અર્જૂન મોઢવાડીયાએ પાક નુકસાન અને જમીન ધોવાણનું વળતર આપવા સરકારને રજૂઆત કરવા ઉપરાંત આગામી દિવસોમાં રાજ્યપાલને મળીને રજૂઆત કરવાની વાત પણ કરી હતી. રાજ્યસભામાં પણ આ અંગે કોંગ્રેસના ધારાસભ્યો મુદ્દો ઉઠાવશે તેમ પણ જણાવ્યું હતું.