પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર જિલ્લામાં પશુ વસ્તી ગણતરી 2012ના આંકડા મુજબ 2,73,834 પશુઓ છે. જેમાં વધારો પણ થઈ શકે કારણ કે, 2019ની પશુ વસ્તી ગણતરી હાલ ચાલી રહી છે. જિલ્લા પંચાયત હેઠળ પોરબંદર જીલ્લામાં પશુઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુસર 7 પશુ સારવાર કેન્દ્ર અને 11 પશુ દવાખાના છે. પોરબંદર શહેરમાં કમલાબાગ પાસે આવેલા પશુ દવાખાનામાં એક મહિનામાં આશરે 60 જેટલા પશુઓને સારવાર આપવામાં આવે છે. તો પશુઓમાં મોટા ભાગે ગળ છુંદો નામનો રોગ દેખાય છે. આ ઉપરાંત ડાયજેસ્ટિવ ડીસ ઓડર, હાઇપો કેલસિમિયા એપિમેરલ ફીવર જેવી બીમારી થતી હોય છે જેની સારવાર આપવામાં આવે છે.
આ ઉપરાંત 2008થી રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા પોરબંદરના ખાપટ વિસ્તારમાં વિવિધ લક્ષી પશુ દવાખાનું શરૂ કરાયું છે. જેમાં આધુનિક ટેકનોલોજી અને વિવિધ સુવિધાઓથી પશુઓને સારવાર આપવામાં આવે છે. બ્લડ ગ્લુકોમિટર, મેટલ ડિટેક્ટર, કૃત્રિમ બીજદાન, ક્રાયો સર્જરી પણ કરવામાં આવે છે તેમજ ભવિષ્યમાં એક્સ રે અને સોનોગ્રાફી મશીન પણ લાવાની પ્રક્રિયા થઈ રહી છે.
આ ઉપરાંત જેમ લોકો માટે 108 એમ્બ્યુલન્સ છે તેમ જ પશુઓ માટે પશુપાલન વિભાગ દ્વારા 1962 એનિમલ એમ્બ્યુલન્સ કરુણા અભિયાન શરૂ કરાયું છે. જેમાં કોલ કરતા બિનવારસુ પશુઓને સ્થળ પર જ સારવાર મળે છે. છેલ્લા એક માસમાં અંદાજે 250 પશુઓને કરુણા અભિયાન દ્વારા સારવાર અપાઈ છે તેમ વેટરનરી ડોકટર યસ પટેલે જણાવ્યું હતું.
જ્યારે પોરબંદરમાં ગૌસેવા કરતા રાજુભાઈએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. જેનો લાભ અબોલ પશુઓને મળી રહ્યો છે. સરકાર દ્વારા ગૌ શાળામાં બિમાર ગાયો માટે દવા આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. માધવપુરથી ઊંટ ગાડીનો વ્યવસાય કરતા ઊંટ માલિક રમેશગીરીએ જણાવ્યું હતું કે, ઊંટમાં ખસનો રોગ વધુ પડતો જોવા મળે છે. જે માણસોમાં પણ થાય છે આથી આ રોગ મટાડવા માટે સરકારી હોસ્પિટલમાંથી જ દવા મળી રહે છે. જે અંગે લોકોમાં વધુ જાગૃતિ લાવવી જરૂર છે.