પોરબંદરમાં: આધુનિક યુગ માં ખેલૈયાઓ મસ મોટા ખર્ચ કરીને પાર્ટી પ્લોટ ના ગરબે રમવા જાય છે. ત્યાં ડીજે ના કારણે ધ્વનિ પ્રદુષણ અને ભીડ નો ભોગ બને છે. ત્યારે પોરબંદર માં 99 વર્ષ થી ઇકો ફ્રેન્ડલી ગરબી રમાય છે. જેની કાંઈક અલગ જ વિશેષતા છે.
આ ગરબી માં મહિલાઓ નથી રમતી: પોરબંદરના લીમડા ચોક પાસે આવેલ ભદ્રકાળી મંદિર માં વિક્રમ સંવત 1981 થી ભદ્રકાળી ગરબી મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે. દિવેચા કોળી જ્ઞાતિ દ્વારા વર્ષોથી આ ગરબીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ગરબીની વિશેષતાઓ જણાવતા આયોજક રામજી ભાઈ જણાવે છે કે રાજાશાહી વખતથી ચાલતી આ ગરબીમાં પહેલા થી જ માત્ર પુરુષો જ રમે છે. સ્ત્રીઓ ને અનેક વ્રતો આવે છે. માટે પુરુષો માતાજી ની આરાધના કરી શકે તેથી વર્ષોથી દિવેચા કોળી સમાજ ના આગેવાનો એ આ આયોજન કરાયું હતું. ત્યારે નવરાત્રીમાં અહીં પુરુષો જ ગરબા ગાય છે અને ગરબા રમે છે.
લખેલા ગરબા જ ગવાય છે: આધુનિક યુગમાં પાર્ટી પ્લોટના ગરબામાં હિન્દી ફિલ્મોના ગીતો વગાડી ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવામાં આવે છે. હોંશે હોંશે લોકો ત્યાં ઝૂમતા હોય છે. પરંતુ જાદવભાઈ સોલંકી નામના કોળી જ્ઞાતિના આગેવાનો પોતે લખેલી એક બુક જેમાં માતાજીની આરાધના ના અનેક ગરબા છે. તેજ બુકમાંથી આ ગરબા પુરુષો ગાય છે.અને પાછળ રમતા પુરુષો પણ ગાતા જાય છે અને ગરબા ના બોલ જિલતા જાય છે. પાર્ટી પ્લોટ દ્વારા આધુનિક ગરબા માં હાઈ ડેસીબલ ક્ષમતા વાળા અવાજના કારણે કાન ફાટી જાય એવું વાતાવરણ હોય છે. જ્યારે પોરબંદર માં ભદ્રકાળી ગરબી મા માઇક કે સાઉન્ડ સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવતો નથી. માઇક વગર પગે થી ચાલતું હાર્મોનિયમ ઝાંઝ અને ઢોલ સાથે આ ગરબી પુરુષો દ્વારા જ રમાય છે.
ટોપી પહેરીને જ ગરબા રમે છે પુરુષો: અહીં પરંપરા અનુસાર વર્ષો પહેલા કોળી સમાજ ના આગેવાનો એ આ પ્રથા રાખી હતી. જેમાં ટોપી પહેરી ને જ આ ગરબા રમી શકે સામાન્ય રીતે મંદિરમાં દર્શન અર્થે જાય ત્યારે માથા પર સ્ત્રી ઓઢતી હોય છે. પરંતુ અહીં માતાજી આદર ભાવ વ્યક્ત કરવા વર્ષો થી પુરુષો ટોપી પહેરી ને જ ગરબા રમવા દેવામાં આવે છે. પોરબંદરની આ વિશેષ ગરબી માં વિવિધ દેવી દેવતાઓના વેશ ધારણ કરી ભૂલકાઓ આ ગરબી રમે છે. જેમાં રામ,લક્ષ્મણ, હનુમાનજી,કૃષ્ણ,ભીમ સહિતના પાત્રોમાં બાળકો આ ગરબી રમે છે. આમ આ બાળકો પણ આ વર્ષો જૂની પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રહ્યા છે.