પોરબંદરઃ રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત બાળકના પ્રથમ હજાર દિવસ, એનિમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડવોશ અને સેનિટેશન તથા પૌષ્ટિક આહાર જેવા પાંચ મુખ્ય ઘટકો પર ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લામાં જન્મતા બાળકો તંદુરસ્ત રહે, સર્ગભા અને ધાત્રી માતાઓનુ આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે પોરબંદર અઇ.સી.ડી.એસ વિભાગ દ્રારા પોષણને લગતી માહિતી તથા માતૃશક્તિ, પુર્ણા શક્તિના પેકેટ તથા લોહતત્વની ગોળીઓ વિતરણ કરવામાં આવે છે.
ત્યારે જિલ્લા માહિતી કચેરી દ્રારા પોષણ માસ અંતર્ગત સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ તથા કિશોરીઓની ઘરે મુલાકાત લઇને મહિલાઓ લક્ષી સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકરી આપવાની સાથે પુસ્તિકા વિતરણ કરવામા આવી હતી તથા કોરોના મહામારી અંગે જાણકારી આપવાની સાથે વારંવાર સાબુથી હાથ ધોવા, સામાજિક અંતર રાખવુ તથા બાળકો અને સગર્ભા બહેનોની ખાસ તકેદારી રાખવા અનુરોધ કરાયો હતો.
જસ્મીનબેન ભટ્ટીએ કહ્યુ કે, મારી અને મારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે આંગણવાડીની બહેનો નિયમીત હોમ વીઝીટ કરીને માતૃશક્તિના પેકેટ વિતરણ કરે છે તથા પોષણને લગતી જરૂરી તમામ જાણકારી પુરી પાડે છે.
ફરહાબેન ચાવડાએ કહ્યું કે, પોષણમાસ ચાલુ હોય કે ના હોય પણ આંગણવાડીના કુમુદબહેન બામણીયા નીયમીત ગૃહ મુલાકાતે આવીને પોષણયુક્ત આહાર માટેના પેકેટ આપી જાય છે. તથા બાળકની કાળજી કઇ રીતે રાખવી તેની તમામ જાણકારી આપે છે.
હિનાબેને કહ્યું કે, કોરોનાના કારણે ઘરબેઠા અમને લોહતત્વની ગોળીઓ તથા પુર્ણા શક્તિના પેકેટ સરકાર વતી આપવામાં આવે છે. મહિલા અને બાળ કલ્યાણની પુસ્તિકા વિનામૂલ્યે મેળવીને હિનાબેને વધુમાં કહ્યુ કે, આ પુસ્તિકાના માધ્યમથી મને સરળતાથી સરકાર દ્વારા કાર્યરત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળશે.