પોરબંદર : જિલ્લામાં 3 કેસ પૉઝિટિવ આવ્યા હતા. તેઓ સારવાર દરમ્યાન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા અને તેઓના રિપોર્ટ પણ નેગેટીવ આવતા પોરબંદર જિલ્લામાં હાલ એક પણ કેસ પૉઝિટિવ નથી. પોરબંદર જિલ્લાના જે વિસ્તારમાં કોરોના વાઈરસ પોઝિટિવ આવેલા હતા, તે વિસ્તાર-આશાપુરા ચોક અને જુના ફુવારા પોલીસ લાઇનને કલસ્ટર કોરોન્ટાઈન જાહેર કરવામાં આવેલ છે.
જિલ્લા કોરોન્ટાઈન ખાતે કુલ 382 વ્યક્તિ પૈકી 346 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરેલા છે. હાલ 36 વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે. હોમ કોરોન્ટાઈનમાં કૂલ 1018 વ્યક્તિઓ ચકાસણી રખાયા તે પૈકી 685 વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયેલ છે.
પોરબંદરના જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ ઉપર કૂલ 23686 વ્યક્તિઓની સ્ક્રીનીંગ કરાઇ છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી જુદી ટીમો કાર્યરત છે. આ ટીમો દ્રારા 6.21 લાખથી વધુ વ્યક્તિઓનો ઘરે ઘરે જઇને સર્વે કર્યો છે. જ્યારે બીજા રાઉન્ડમાં 1.69 લાખથી વધુ લોકોનો સર્વે કરાયો છે.
જિલ્લાતંત્ર દ્રારા લોકોને અપીલ કરાય છે કે, આરોગ્ય ખાતાના કર્મચારીઓ જિલ્લાવાસીઓના ઘરે હેલ્થ સર્વેલન્સ કરવા આવે ત્યારે લોકોએ ઘરમાં કોઇને સરદી, ઉધરસ કે તાવની તકલીફ છે કે નહી ? આપના ઘરે છેલ્લા 14 દિવસમાં બહાર ગામથી કોઇ વ્યક્તિ આવેલ છે કે નહી ? પોરબંદર જિલ્લામાં કોરોના વાઇરસના આવેલા 3 પૉઝિટિવ કેસ વાળા વ્યક્તિઓના સંપર્કમાં આવેલા છે કે નહી ? પ્રશ્નના જવાબ આપી લોકોએ સહકાર આપવા તંત્ર દ્રારા અપીલ કરાઇ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબંધિત વિભાગો અને કચેરીઓને કોરોના વાઈરસના નિયંત્રણ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
પ્રવર્તમાન સંજોગોમાં માલવાહક વાહનો દ્વારા ચીજવસ્તુઓને ઝડપથી ઉ૫લબ્ધ કરાવવાના હેતુથી તા.10/04/2020ના રોજની સરકારની સૂચના મુજબ માલવાહક વાહનોના પરિવહન કરતાં ડ્રાઇવરોના ટ્રાન્સપોર્ટ લાઇસન્સને પાસ તરીકે માન્ય રાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટ વાહનના ડ્રાઇવરને માલવાહક વાહન ચલાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાસમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. નોવેલ કોરોના વાઇરસના સંદર્ભમાં સારવાર માટેની ક્ષમતા ધરાવતા આઇસોલેશન વોર્ડ તૈયર રાખવામાં આવેલ છે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલ પર આઇસોલેશન સ્થળ જાહેર કરેલ છે.