- પોરબંદર ખાતેના કોવિડ સેન્ટરમાં સારવાર લેતા દર્દીઓને રાહત થશે
- મહામારીમાં લોકોને ઉપયોગી બનવા વિવિધ સંસ્થાઓએ મળી બનાવ્યું કોવિડ હેલ્પ એસોસિએશન
- પોરબંદરના બે કેર સેન્ટરોમાં 50 જેટલા વધુ દર્દીઓને સારવાર મળી રહેશે
પોરબંદર: કોરોના મહામારીનો સામનો કરી રહેલા દર્દીઓની મદદ માટે પોરબંદરની વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનોએ સાથે મળી કોવિડ હેલ્પ એસોસિએશનની રચના કરવામાં આવી છે, આ એસોસિએશન દ્વારા સાંદિપની અને વનાણા ખાતે આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે હેતુથી 50 ઓક્સિજન બાટલા અને રેગ્યુલેટર કીટ સાથે આપવામાં આવ્યા છે.
50 થી વધુ દર્દીઓને મળશે સારવાર
કોવિડ હેલ્પ એસોસિએશન દ્વારા આ 50 બાટલા ઓક્સિજન કીટ સાથે પુરા પાડવામાં આવતા હવે સાંદિપની પાસે આવેલ કોવિડ સેન્ટર અને વનાણા માં આવેલ કોવિડ કેર સેન્ટર આ બંને કેર સેન્ટરોમાં 50 જેટલા વધુ દર્દીઓને સારવાર મળી રહેશે. કોવિડ હેલ્પ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રની સાથે સંકલન કરી જ્યાં પણ જરૂરિયાત જણાય ત્યાં દર્દીઓને મદદરૂપ થવા કટિબદ્ધ હોવાનું હિરલબા જાડેજા, અનિલભાઈ કારિયા, લાખણશી ગોરાણીયા, રાજુભાઈ લાખાણી, કરસનભાઈ સલેટ અને અનિલરાજ સંઘવીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.