- બિહારના પટણામાં યોજાઈ હતી પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ
- 23 રાજ્યોના 750થી વધુ સેરેબ્રલ પાલસી વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ
- પોરબંદરના ખેલાડીઓએ 3 ગોલ્ડ અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યાં
પોરબંદરઃ બિહાર રાજ્યના પટનામાં 17મી નેશનલ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં પોરબંદર જિલ્લાના પાંચ બાળકોએ કુલ 7 મેડલ મેળવ્યા છે. જિલ્લામાં ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ દ્વારા જુદી-જુદી રમતો માટે સરદાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોચ મનીષ ઝીલડીયા દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ સંસ્થાના સેક્રેટરી કમલેશ ખોખરીના માર્ગદર્શન નીચે સમગ્ર ટીમને પટના લઈ જવામાં આવી હતી. જ્યા 23 રાજ્યોના 750 ખેલાડીઓ વચ્ચે પોતાના કાંડાની કૌવત દેખાડી પોરબંદર જિલ્લાના 5 ખેલાડીઓએ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું હતું.
આ પણ વાંચોઃ ગોધરા ખાતે દિવ્યાંગો માટે ખાસ ખેલમહાકુંભ સ્પર્ધાનું આયોજન
તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં
જેમાં શ્યામ શિયાણીએ 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ તથા 200 મીટરની દોડમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત વિશ્વ વાઘેલાએ 200 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ તથા 100 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ, ધવલ હોદારે બરછી ફેકમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત પાર્થ સરૈયાએ ચક્ર ફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ભાવેશ સરૈયાએ 400 મિટરની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.
આ પણ વાંચોઃ ઊંઝામાં દિવ્યાંગો બન્યા આત્મનિર્ભર
ખેલાડીઓને મેડલ ઉપરાંત રૂપિયા 8 લાખ રોકડ ઇનામ મેળવ્યાં
આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા સ્પર્ધકોને સરકાર દ્વારા રૂપિયા 2 લાખ, દ્વિતીય વિજેતાને રૂપિયા 1 લાખ અને તૃતીય વિજેતા સ્પર્ધકોને રૂપિયા 50 હજારનું ઈનામ આપવામાં આવ્યું હતું. ત્યારે પોરબંદરના દિવ્યાંગ ખેલાડીઓએ મેડલ ઉપરાંત કુલ રૂપિયા 8 લાખના રોકડ ઈનામો પણ મેળવ્યાં હતા. ગોલ્ડ મેડલ વિજેતા શ્યામ શિયાણીએ પોતાની ઈચ્છા વ્યકત કરતા જણાવ્યું હતું કે, તેઓને આ રીતે સપોર્ટ મળતો રહેશે તો આગળ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ ગોલ્ડ મેડલ લાવશે. તેમજ તેમણે પોતાના માતાપિતા અને અંધજન ગુરુકુળના કમલેશ ખોખરીનો આભાર વ્યક્ત કર્યો હતો.