પોરબંદર: 21મી સદીમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં અંધશ્રદ્ધા કેટલી હદે જોવા મળી રહી છે. તેનો વધુ એક કિસ્સો પોરબંદર જિલ્લાના કાટવાણા ગામથી સામે આવ્યો છે. જેમાં પોરબંદરમાં એક ઊંટવૈદ્યે ઉધરસનો ઈલાજ માટે બે મહિનાની બાળકીના શરીર પર લોઢાના સળિયાથી ડામ દીધા હતા.
ઉધરસ થતાં લોઢાના સળિયાથી ડામ દીધા: પોરબંદરમાં બખરલા ગામે રહેતા એક પરિવારની બે મહિનાની બાળકીને ઉધરસ થઈ હતી. સામાન્ય રીતે ઉધરસ થતા લોકો દવા લેતા હોય છે પરંતુ આ પરિવારોએ બોગસ તબીબ પાસે જઈ બાળકીને ડામ દેવડાવ્યો હતો. આથી બાળકીની તબિયત વધુ બગડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં બાળકીની માતા તથા ઝોલાછાપ તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: પાદરીએ અંધશ્રદ્ધામાં કહ્યું, હું 10 દિવસમાં મરી જઈશ અને 3 દિવસમાં પાછો આવીશ
બાળકીની તબિયત લથડતાં આઈસીયુમાં દાખલ: પોરબંદરના બખરલા ગામે રહેતા એક પરિવારની બે માસની દીકરીને ઉધરસના કારણે તારીખ 9 ફેબ્રુઆરીના રોજ તબિયત લથડતા સારવાર વખતે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ડોક્ટર જય બદિયાણીએ ચેકઅપ કરતા બાળકીને છાતીના ભાગે ડામ દીધા હોવાનું જણાયું હતું. તેના કારણે બાળકીની તબિયત વધુ ગંભીર થઈ હતી. ડોક્ટર જય બદિયાણીએ બાળકીને આઈસીયુ ઉપર રાખી હતી. હાલ બાળકીની હાલત સ્વસ્થ છે. અંધશ્રદ્ધાના કારણે મહિલાએ ભરેલ એક પગલાંના કારણે બાળકી જીવન મુશ્કેલીમાં મુકાતા આ ઘટનાથી લોકો સજાગ રહે અને સામાન્ય બીમાર થાય તો પ્રથમ નજીક હોસ્પિટલમાં તબીબ પાસે સારવાર કરાવવા જય બદીયાણીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: અંધશ્રદ્ધા અંગે જાગૃતતા લાવવા કાળી ચૌદશની રાત્રે કાર્યક્રમ યોજાયો
ઊંટવૈદ્ય અને માતા સામે ફરિયાદ: આ બાબતે પોરબંદર ડીવાયએસપી સુરજીત મહેડુએ જણાવ્યું હતું કે બાળકીને સામાન્ય કફ અને ઉધરસ થઈ હતી. જેથી બાળકીની માતાએ ઘર પર સ્થાનિક ઈલાજ કર્યો હતો. પરંતુ કોઈ ફેર ન પડતા તેને દેવરાજ કટારા પાસે લઈ ગઈ હતી. દેવરાજ કટારાએ બાળકીની છાતી અને પેટ પર લોઢાના સળિયાથી ડામ દીધો હતો. પરંતુ તેનાથી રાહત ન મળી અને બાળકીની તબિયત વધુ લથડતા તેને પોરબંદર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ કરતા બાળકીને ડામ દેનાર દેવરાજ કટારા અને એની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે દેવરાજ કટારાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.