પોરબંદરમાં વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ શુભ ગણાતા સૂર્ય કાચબાનો વેપાર વધ્યો છે. પોરબંદરમાં આવેલા વાણીયાવાડ વિસ્તારમાં આવેલ દેનાબેંક નજીક એક્વેરિયમ શોપ આવેલી છે. જેમાં, માછલી ઘરનો વેપાર કરતાં વેપારીઓએ સૂર્ય કાચબા વેચવાનું શરૂ કર્યું હતું. જેઓ અમદાવાદથી 1500 રૂપિયાનો એક કાચબો લઇ આવી 2500 રૂપિયામાં ગ્રાહકને વેંચતા હતા.
પરંતુ, ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ વન્યપ્રાણીઓને બંદી બનાવવા, વેંચાણ કરવા કે પાલતુ પ્રાણી તરીકે પાડવાનો ગુનો બને છે. આથી, પોરબંદર વનવિભાગની ટીમને માહિતી મળતા રેડ પાડી હતી. જેમાં એક્વેરિયમ શોપ પરથી પાંચ સૂર્ય કાચબા મળી આવ્યા હતા અને શોપ માલિક મોહિઝ જોસેબ તરવાડી અને શોપમાં કામ કરતા કુરહાન સાદિકની ધરપકડ કરી હતી.
નાયબ વન સરક્ષક દિપક પંડયાની સુચના મુજબ અને ગ્રીન વાઈલ્ડ લાઈફ સોસાયટીના સભ્યો તથા વાઈલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના સભ્યોના સહયોગથી વન વિભાગના રાણાવાવ RFO એ એચ વાણિયા તથા પોરબંદર પક્ષી અભ્યારણ્યના RFO જે બી ગઢવી અને વન વિભાગની ટીમે આ ઓપરેશન પાર પાડયું હતુ.