પોરબંદર: જિલ્લામાં આવેલા મેડિકલ સ્ટોર પૈકી કુલ 88 મેડિકલ સ્ટોર પર કામ કરતાં કુલ 207 વ્યક્તિઓની આરોગ્ય વિભાગ દ્રારા ચકાસણી કરવામાં આવી છે. જે તમામના રિપોર્ટ તંદુરસ્ત આવ્યાં છે. પોરબંદર જિલ્લાની ખાદ્યસામગ્રીની દુકાનો/પાનની દુકાનો/ફરસાણ મીઠાઇની કુલ 159 દુકાનોમાં તપાસ કરીને લોકડાઉનના કારણે બંધ રહેલ દુકાનોમાં જથ્થાની જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા ચીફ ઓફીસર પોરબંદરના સુપર વિઝન હેઠળ ફુડ સેફટી ઓફિસરને ટીમ લીડર બનાવીને જુદી-જુદી ત્રણ ટીમે 159 દુકાનોમાંથી 1479 કીલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે.
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્રારા 20 એપ્રિલથી ઉધોગો શરૂ કરવા અંગે વિસ્તૃત ગાઇડ લાઇન જાહેર કરાયા છે. જે અનુસંધાને ગુજરાત રાજ્ય સરકારના ઉધોગ અને ખાણ વિભાગ દ્રારા કેન્દ્રીય ગૃહ વિભાગની ગાઇડ લાઇનના ચુસ્ત પાલન કરવાની સહમતિ મેળવીને ઉધોગ ગૃહોને ચાલુ કરવા માટે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જુદી-જુદી કેટેગરીના ૧૪૨ યુનિટને પરવાનગી અપાઇ છે. જે અંગેની યાદી નં ૧/૨ અત્રેની વેબસાઇટ https://collectorporbandar.gujarat.gov.in પર અપલોડ કરવામા આવી છે.
હાલ સુધીમાં શંકાસ્પદ વ્યક્તિઓનાં લેવામાં આવેલ ૨૩૫ સેમ્પલ નેગેટિવ આવ્યાં છે. જેમાં પોરબંદર જિલ્લામાં ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા, તેઓ સારવાર દરમિયાન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા અને તેઓના રિપોર્ટ પણ નેગેટિવ આવતા પોરબંદર જિલ્લામાં હાલ એક પણ કેસ પોઝિટિવ નથી. જિલ્લા ક્વોરન્ટાઇન ખાતે કુલ 588 વ્યક્તિ પૈકી 449 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કર્યા છે. હાલ 145 વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે. હોમ ક્વોરન્ટાઇનમાં કુલ 1324 વ્યક્તિઓ ચકાસણી હેઠળ રખાયા છે. તે પૈકી 1023 વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયું છે.
પોરબંદરના જુદા-જુદા એન્ટ્રી પોઇન્ટ ઉપર કુલ 33,020 વ્યક્તિઓની સ્ક્રિનીંગ કરાઇ છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી-જુદી ટીમો કાર્યરત છે. આ ટીમો દ્રારા 6.21 લાખથી વધુ વ્યક્તિઓનો ઘરે ઘરે જઇને સર્વે કર્યો છે. જ્યારે બીજા રાઉન્ડમાં 5.51 લાખથી વધુ લોકોનો સર્વે કરાયો છે. નોવેલ કોરોના વાઇરસના સંદર્ભમાં સારવાર માટેની ક્ષમતા ધરાવતા આઇસોલેશન વોર્ડ તૈયર રાખવામાં આવ્યા છે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલ પર આઇસોલેશન સ્થળ જાહેર કર્યો છે.