પોરબંદરઃ જિલ્લાની 16 મહિલાઓ ભાગવત સપ્તાહમાં સામેલ થવા માટે હરિદ્વારા ગઇ હતી. જ્યાં પહોંચ્યા બાદ સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો હતો. જેથી તમામ 16 મહિલાઓ હરિદ્વારમાં ફસાઈ હતી. જેમને પોરબંદર સાંસદ રમેશ ધડુકે મદદ કરીને હેમખેમ પોરબંદર પહોંચાડી હતી.
પોરબંદરના કુતિયાણા તાલુકાની 16 જેટલી મહિલાઓ ગત 11 માર્ચે પોરબંદરથી હરિદ્વાર ગઈ હતી અને 13 માર્ચે હરિદ્વાર પહોંચી હતી. જ્યા ભાગવત કથા પૂર્ણ કરી લીધા બાદ પરત ફરે તે પહેલા સરકાર દ્વારા કોરોના વાઇરસના પગલે 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું હતું. લોકડાઉ થવાથી તમામ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જેથી આ મહિલાઓ હરિદ્વારમાં જ ફસાઈ હતી.
મહિલાઓએ પોરબંદરના સાંસદ રમેશ ધડુક પાસે મદદ માગી હતી અને સાંસદ રમેશ ધડુકે અન્ય રાજ્યોની મદદ લઇ આ તમામ મહિલાઓને હેમખેમ પોરબંદર પહોંચાડી હતી. મહિલાઓ પરત પોરબંદર આવી જવાથી તેમની ગોઢાણીયા કૉલેજમાં આરોગ્ય તપાસ કરી ઘરે મોકલવામાં આવશે.
ડ્રાઈવરે દાખવી માનવતા
પોરબંદની મહિલાઓને પરત ગુજરાત લાવવા માટે કોઈ ડ્રાઈવર તૈયારી નહોતું દર્શાવતું, ત્યારે મહિપાલ ભાઈ નામના ડ્રાઈવરે 2 રાજ્યની સરહદ પાર કરાવી માનવતા દર્શાવી હતી.