પાટણ: સત્ય અને અહિંસાના પૂજારી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કે જેઓએ ભારત દેશના અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે આઝાદીનો નારો સમગ્ર દેશમાં ગુંજતો કર્યો હતો. અહિંસાના માર્ગે દેશને આઝાદી અપાવી હતી. ગાંધીજીએ અહિંસાના વિચારો સમગ્ર વિશ્વમાં પહોંચાડ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ શહેરના રેલવે પ્રથમ ગરનાળા પાસે સ્થાપિત કરાયેલી મહાત્મા ગાંધીની પ્રતિમા ઉપર શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરોએ બાપુની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
જીવનમાં ઉતારવા અનુરોધ: આ પ્રસંગે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે જણાવ્યું હતું કે, "અંગ્રેજો સામે અહિંસક આંદોલન ચલાવીને દેશની જન જનને જાગૃત કરી અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાનું આંદોલન શરૂ કરવાનું ભગીરથ કામ મહાત્મા ગાંધીએ કર્યું હતું. ત્યારે ગુજરાતના સપૂત એવા નરેન્દ્ર મોદીએ સાચા અર્થમાં ગાંધીજીના વિચારોને સાર્થક કરવા સ્વચ્છતા, મહિલાઓ માટે શૌચાલય, ગાંધી આશ્રમનો વિકાસ સહિતના કામો કરીને બાપુના વિચારો પ્રજાની અંદર સતત જાગૃત રાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. બાપુની યાદમાં ગતરોજ સમગ્ર વિશ્વમાં એક કલાક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાનું કામ કરીને બાપુના સ્વચ્છતાના વિચારો ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ સરકારે કર્યું છે."
અમર રહો ના નારા લગાવ્યા: પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ પણ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પમાળા અર્પણ કરી ગાંધીબાપુ અમર રહો ના નારા લગાવ્યા હતા. રાજકીય પાર્ટીઓ ઉપરાંત રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ, સિનિયર સિટીઝન શાખા સહિતની સંસ્થાઓએ પણ બાપુની પ્રતિમાને માલ્યાર્પણ કરી ગાંધીબાપુ અમર રહો ના નારા લગાવ્યા હતા.