પાટણ: રાધનપુરના શેરબાગમાં રહેતા એક વેપારીના પત્નીને સાફ સફાઈ દરમિયાન ગીઝરને સ્પર્શતા કરંટ લાગ્યો હતો જેના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. વેપારી પત્નીના મૃત્યુના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં તેમના સગા-સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
ગીઝર માંથી શોક લાગતા મોત: ઘરમાં સુવિધાઓ માટે રાખવામાં આવતી ઈલેક્ટ્રીક ચીજ વસ્તુઓ જેવી કે ગેસ ગીઝર, હીટર, ઈસ્ત્રી વગેરે ક્યારેક જોખમી પણ બની શકે છે. આવી એક ગોઝારી ઘટના પાટણ જિલ્લાના રાધનપુરમાં સામે આવી છે. રાધનપુરના શેરબાગ વિસ્તારમાં રહેતા વસંતભાઈ ઠક્કરના પત્ની નિર્મળા બેન બુધવારની સવારે બાથરૂમ સાફ કરતા હતા, ત્યારે અચાનક તેમનો હાથ બાથરૂમમાં ફિટ કરેલ ગીઝરને સ્પર્શી જતાં તેમને શોટ લાગ્યો હતો અને તેઓ બાથરૂમમાં પડી ગયા હતા. થોડા સમય બાદ તેઓ બાથરૂમમાં થી બહારના આવતા પરિવારના સભ્યોએ તપાસ કરતા નિર્મળા બેન બાથરૂમમાં બેંહોશ હાલતમાં પડ્યા હતાં અને તેમને તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.
પરિવારમાં શોક: રાધનપુરમાં શહેરમાં અગ્રણી વેપારીના પત્નીનું શોટ લાગવાથી મૃત્યું થવાના સમાચારથી વેપારી આલમમાં શોક છવાયો હતો. જ્યારે મૃતક મહિલાના સગા સંબંધીઓને જાણ થતાં તમામ લોકો રેફરલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસનો સ્ટાફ પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરીને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે લોકોએ પોતાના ઘરમાં જે વીજ ઉપકરણોની સુવિધા વિકસાવી હોય તેનું સમયંતરે મેઈન્ટેન્સ કરાવવું ખુબ જરૂરી બને છે.