- હારિજમાં પરષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઈ
- કેન્દ્રીય પ્રધાને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની આપી માહિતી
- જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકો કબ્જે કરવા કર્યો અનુરોધ
પાટણ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ થતાં જ રેલીઓ અને સભાઓ થકી મતદારોને આકર્ષવા વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા શક્તિ પ્રદર્શનનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે હારીજમાં ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં ભાજપના આગેવાનો કાર્યકરો તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સામાજિક અને આરોગ્યલક્ષી સુવિધાઓની યોજનાઓ અંગેની માહિતી આપી. ભાજપના શાસનમાં થયેલી પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો.
સભાને સંબોધન,ભાજપને મત આપવા કરી અપીલ
સભાને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, 23 ફેબ્રુઆરી ચૂંટણી પ્રચારની સાથે-સાથે વિજય દિવસ પણ છે. મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે જેમાં ગુજરાતની જનતાએ કોંગ્રેસને મોટી પછડાટ આપી છે. ત્યારે 28મી ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના મુળિયા ઉખેડી નાખી જંગી બહુમતીથી ભાજપને જીતાડવા અનુરોધ કર્યો હતો.
કોરોનાની રસીમાં પણ કોંગ્રેસ હવનમાં હાડકાં નાખે છે: રૂપાલા
કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા તેઓએ જણાવ્યું હતું કે, ભારતીય વૈજ્ઞાનિકોએ કોરોનાની રસી બનાવી છે ત્યારે તેઓને અભિનંદન આપવાને બદલે કોંગ્રેસ હવનમાં હાડકાં નાખી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપને જીતાડવા માટે અને કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ કરવા અનુરોધ કર્યો હતો.