પાટણઃ શહેરમાં કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. આજે વધુ બે કેસ પોઝિટિવ નોંધાતા પાટણમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 38 થઈ છે. જેની સાથે જિલ્લામાં કોરોના સંક્રમિત સંખ્યા 107એ પહોંચી છે.જિલ્લામાં નોંધાયેલા 10 મોતમાંથી પાટણ શહેરમાં કોરોનાથી 6 વ્યક્તિના મોત થયા છે.
પાટણમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસમા ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલા રાજવંશી સોસાયટીમાં રહેતા 54 વર્ષીય સોની રજનીકાંતભાઈ સામાજિક કામ અર્થે ગાંધીનગર ગયા હતા અને ગાંધીનગરથી પરત આવ્યા બાદ તેઓને શરદી-ખાંસી અને ગળામાં દુઃખાવો થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના ટેસ્ટના સેમ્પલ લેવાતા તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
આ ઉપરાંત શહેરના અંબાજી નેળીયામાં આવેલ યશ ટાઉનશીપમાં રહેતા અને ઝવેરી બજારમાં જ્વેલર્સની દુકાન ધરાવતા સોની હિતેશભાઈ 15 દિવસ અગાઉ સામાજિક કામ માટે થરાદ ગયા હતા. ત્યાં તેઓને સંક્રમણની અસર થવાથી છેલ્લા બે દિવસથી તેઓને તાવ, શરદી જેવી બીમારી જણાતાં તેઓએ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. પરંતુ કોઈ ફરક ન પડતા પાટણ સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિપોર્ટ કઢાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઇ આરોગ્ય પોલીસ અને પાલિકા તંત્ર દોડતું થયું હતું.
આરોગ્ય વિભાગની ટીમે આ બંને વિસ્તારમાં જઈ સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી તેમજ દર્દીના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યોને હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જ્યારે પાલિકા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારોમાં સેનેટાઈઝનો છંટકાવ કરવામાં આવ્યો હતો.