પાટણ: કોરોના મહામારીના કારણે પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર બી.એ, બી.કોમ અને બી.એસ.સી સેમિસ્ટર 6 તેમજ એમ.એ, એમ.કોમ સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી.
તાજેતરમાં સરકાર અને યુજીસીએ તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેવા માટે યુનિવર્સિટીઓને સૂચનાઓ આપતા પાટણ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા માટે એલવન કંપનીને સોફ્ટવેર તૈયાર કરવા કામગીરી સોંપવામાં હતી. જેના મૂલ્યાંકન માટે ગત 16 અને 17 ઓગસ્ટના રોજ 40 હજાર વિદ્યાર્થીઓના મોક ટેસ્ટ લઇ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન સોફ્ટવેરમાં લોગ ઈન અને ઓપન ન થવાના પ્રશ્નો સર્જાયા હતા. ત્યારે આ બાબતે યુનિવર્સિટીએ કંપનીના માણસો સાથે ચર્ચાઓ કરી તારીખ 20 અને 21મી ઓગસ્ટના રોજ ફરીથી મોક ટેસ્ટ લઇ સોફ્ટવેરનું મૂલ્યાંકન કર્યા બાદ પરીક્ષાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સર્વર પર ભાર ન પડે તે માટે યુનિવર્સિટી દ્વારા આ બે દિવસના મોક ટેસ્ટમાં 10,000થી ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓના ટેસ્ટ લેવામાં આવશે. ટૂક સમયમાં પરીક્ષાના ટાઇમ ટેબલની જાહેરાત કરવામાં આવશે.