● સિદ્ધપુર સબજેલમાંથી બે આરોપીઓ નાસી ગયા
● જેલના પોલીસ કર્મીનું બાઇક લઇને આરોપીઓ થયા રફુચક્કર
● એસપી સહિતનો પોલીસ કાફલો સિધ્ધપુર પહોંચ્યો
સિધ્ધપુર: દેથળી ચાર રસ્તા પાસે થોડા દિવસો પહેલા કારમાં આવેલા ચાર બુકાનીધારી લુટારુઓએ આંગડિયા પેઢીના મેનેજરને આંતરી છરી બતાવી સોના ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલ સાથે કુલ 6.84 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને જિલ્લા પોલીસ વડાએ અલગ અલગ ટીમો બનાવી લૂંટમાં સંડોવાયેલા ૧૬ જેટલા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અને તેઓને સિદ્ધપુર સબજેલમાં મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : આજે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો વધારો, પેટ્રોલની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?
પોલીસનુ બાઈક લઈને ફરાર
બુધવારે મોડી રાત્રે સિધ્ધપુર સબ જેલમાંથી દેવુસિંહ ચૌહાણ અને ભુપેન્દ્રસિંહ ચૌહાણ નામના બે આરોપીઓ ફરજ પરના પોલીસ કર્મીનું જ બાઇક લઇને ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે. જેલમાંથી આરોપીઓના ફરાર થવા પાછળ પોલીસની કામગીરી અંગે પણ અનેક સવાલો ઉભા થયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા તાત્કાલિક સિધ્ધપુર સબજેલની આવી પહોંચ્યા હતા અને સમગ્ર જેલનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાના હાઈવે માર્ગો તેમજ તમામ જગ્યાએ નાકાબંધી કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : 14 વર્ષ પહેલા 2007માં ધોનીની યુવા ટીમે બનાવ્યો હતો ઈતિહાસ
આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દોડતી થઈ
સિદ્ધપુર સબજેલમાંથી પોલીસ કર્મચારીનું બાઈક લઈને ફરાર થયેલા આંગડિયા લૂંટના બે આરોપીઓ મામલે સિધ્ધપુર ડીવાયએસપી સી.એલ સોલંકીએ જણાવ્યું હતું કે આ ઘટનાને પગલે પોલીસે એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ ફરલો અને સિદ્ધપુર પોલીસની બે મળી કુલ પાંચ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે સાથે જ ફરજ ઉપર બેદરકારી દાખવનાર બે પોલીસકર્મીઓ સામે સિદ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગણતરીના કલાકોમાં ગુન્હેગારની ધરપકડ
પોલીસે 5 ટીમ બનાવીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને પાછા તેમને જેલ ભેગા કર્યા હતા.