પાટણ: કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા વીર શહિદોની યાદમાં પાટણ સરસ્વતી નદીના કિનારે 10 હજાર ચોરસમીટર જગ્યામાં માનવસર્જિત વન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં મિયાવાકી પદ્ધતિથી વિવિધ 61 પ્રજાતિના 11,111 છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.
રાજ્યમાં મિયાવાકી પદ્ધતિથી નિર્માણ પામનાર આ સૌથી મોટું જંગલ હશે, ત્યારે આજે જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર શહીદોને હરિત અંજલિ આપી હતી.
કારગિલ વિજય વન ખાતે વૃક્ષારોપણ કરતાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, અલગ-અલગ સ્થળોએ વૃક્ષારોપણ બાદ તેના જતનના અભાવે અપેક્ષિત પરિણામ મળતું નથી. તેના બદલે ચોક્કસ સ્થળ નક્કી કરી એકસાથે મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર થાય તે માટે અહીં પ્રથમ તબક્કામાં 10 હજારથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન કરાયું છે.
આમ, કારગિલ દિવસરૂપે સહસ્ત્ર તરૂ વન ખાતે 25 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવશે. જે રાણીની વાવ અને પટોળાની જેમ પાટણની આગવી ઓળખ ઉભી કરશે.