તત્કાલીન ડીપીઓ દ્વારા નિવૃત્તિના એક દિવસ અગાઉ જ શિક્ષકોની કરાઈ હતી બદલીઓ
બદલી કેમ્પ વગર જ બદલીઓ કરાતા કેટલાક શિક્ષકોએ કર્યા હતા ગેરરીતિના આક્ષેપ
ગાંધીનગર ખાતે બે દિવસ સુધી શિક્ષકોના નિવેદનો લઇ કરાયું હતું ક્રોસ ચેકિંગ
પાટણઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નિવૃત્તિ પહેલા બદલી કેમ્પ યોજયા વગર જ રાતોરાત કેટલાક શિક્ષકોની મનપસંદ સ્થળે બદલીઓ કરી હતી. જેની કેટલાક શિક્ષકોને જાણ થતાં આ બદલી કૌભાંડનો પર્દાફાશ કરી તત્કાલીન ડી.પી.ઓ.એ મોટી રકમ લઇ બદલીઓ કરી હોવાના આક્ષેપો સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરતાં તપાસના અંતે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ફલિત થતાં આજે શનિવારે પ્રાથમિક શિક્ષણ નિયામક જોશીએ 52 શિક્ષક-શિક્ષિકાઓની બદલીઓ તાત્કાલિક અસરથી રદ કરી જૂની શાળાઓમાં પરત જવા હુકમો કરતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચ્યો છે. લાખો રૂપિયા આપી મનપસંદ સ્થળે બદલી કરાવનારા શિક્ષકોમાં સોપો પડી ગયો છે અને આપેલા પૈસાનું શું તેને લઈ ભારે ચર્ચા જાગી છે.
52 શિક્ષકોને પોતાની પૂર્વ શાળામાં ફરજ પર હાજર થવા કર્યા હુકમ
પાટણ જિલ્લાના તત્કાલીન ડી.પી.ઓ. બાબુ ચૌધરીએ પોતાની નિવૃત્તિના એક દિવસ અગાઉ કેટલાક શિક્ષકોની બદલીના હુકમો કર્યા હતા. બદલી કેમ્પ વગર જ બદલીના હુકમો કરતા મોટાપાયે કૌભાંડ થયું હોવાની રજૂઆતો શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી અને કેટલાક શિક્ષકોએ લડાયક મૂડમાં આવી આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. જેને પગલે પ્રાથમિક શિક્ષણ નિયામક જોશી દ્વારા તપાસ ટીમની રચના કરી બે દિવસ ગાંધીનગર ખાતે દરેક શિક્ષકોના નિવેદન લઇ ક્રોસ ચેકિંગ પણ કર્યું હતું. જેમાં સરેરાશ 72 પૈકી 52 શિક્ષકોની બદલીમાં ગેરરીતિ થઇ હોવાનું પુરવાર થયું છે. આથી નિયામકે કુલ 52 શિક્ષકોની બદલીના હુકમ તાત્કાલિક રદ કરી નવી શાળાઓમાં ગયેલા આ શિક્ષકોને ફરીથી પોતાની પૂર્વ શાળામાં ફરજ પર હાજર થવા હુકમ કર્યા છે. આ આદેશને પગલે બદલી પામેલા શિક્ષકોમા ભારે દોડધામ મચી છે.
બદલી કૌભાંડમાં સૌથી વધુ 10 શિક્ષકો સમી તાલુકાના
આ બદલી કૌભાંડમાં સમી તાલુકાના સૌથી વધુ 10 શિક્ષકો છે. જ્યારે રાધનપુર તાલુકાના 6, સાંતલપુર તાલુકાના 4, શંખેશ્વર તાલુકાના 5, હારીજ તાલુકાના 3 ચાણસ્મા અને પાટણ તાલુકાના 7-7 તથા સિધ્ધપુર તાલુકાના 3 અને સરસ્વતી તાલુકાના 8 શિક્ષકોને છૂટા કરવામાં આવ્યાં છે.