પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ વિશ્વ ફલક પર ચમકતા સમગ્ર દેશ દુનિયામાં પ્રખ્યાત થઈ છે ત્યારે તેને નિહાળવા ફક્ત ભારતમાંથી જ નહીં પણ વિદેશી પર્યટકો મોટી સંખ્યામાં આવી આ વિરાસત ને નીહાળી તેના ભરપેટ વખાણ કરી તેની સ્મૃતિને કેમેરામાં કંડારી સાથે લઈ જાય છે. રાણકી વાવની ખ્યાતિ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા રાણકી વાવને નિહાળવાના ટીકીટ દરમાં ધરખમ વધારો કર્યો છે ત્યારે પ્રવાસીઓમા વધઘટ જોવા મળી રહી છે. વર્ષ 2018માં 394,318 ભારતીય અને 4207 વિદેશી મળી કુલ 3,98,525 પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લેતા પુરાતત્વ વિભાગને 1,09,15,345 રૂપિયા ની આવક થઈ હતી.
વર્ષ 2019માં રાણકી વાવ ને 2,85,682 ભારતીય અને 3375 વિદેશીપ્રવાસીઓ મળી કુલ 2,89,057 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેમાં પુરાતત્વ વિભાગને 1,33,82,255 રૂપિયાની આવક થઈ હતી. વર્ષ 2018ની સરખામણી એ વર્ષ 2019માં રાણકી વાવ ને જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં 1,09,468 નો ઘટાડો નોંધાયો હતો. પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો પરંતુ તેની સામે આવકમાં રૂપિયા 24,66,910નો વધારો થયો છે.
રાણકી વાવને નિહાળવા માટે આવેલા પ્રવાસીઓ પણ તેની શિલ્પ સ્થાપત્ય અને કલાકોતરણી જોઈ અભિભૂત બન્યા હતા. ત્યારે રાણકી વાવમાં આવેલા પ્રવાસીઓ માટે રેલીગ, વ્હીલચેર, રહેવા અને જમવાની સુવિધાઓ કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
ઐતિહાસિક રાણકી વાવને નિહાળવા માટે વર્ષ દરમિયાન દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને અહીંના શિલ્પ સ્થાપત્યો જોઈ લોકો પ્રભાવિત થાય છે ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા રાણકી વાવને જોવા માટેના ટીકીટ દરમાં વધારો કરવાથી પ્રવાસીઓમા ઘટાડો થયો હોય તેવું માનવમાં આવી રહ્યું છે.