પાટણઃ મોટી ભાટિયાવાડ વિસ્તારમાં રાત્રી દરમિયાન એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 4 લાખથી વધુની ચોરી કરી પલાયન થઈ જતા ચકચાર મચી ગઇ હતી.
પાટણ શહેરના મોટી ભાટિયાવાડ વિસ્તારમાં રહેતા અને સોના ચાંદીનો ધંધો કરતા મોદી હરેશભાઇ મોદી અને તેમના પરિવારજનો રાત્રે ઘરમાં સુઈ ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેમના મકાનના પાછળના ભાગેથી મકાનના ઉપરના માળે પ્રવેશ કરી ઘરનો સરસામાન વેરવિખેર કરી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા 15 હજાર મળી કુલ રૂપિયા ચાર લાખથી વધુના મુદ્દા માલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
જ્યારે મકાન માલિક સવારે ઉઠ્યા ત્યારે તિજોરી ખુલ્લી જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ આ મામલે એ ડિવિઝન પોલીસને જાણ કરતાએ ડિવિઝન પી.આઈ. સહિત ડી.વાય.એસ. પી. ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
મકાન માલિકે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સ્થળ તપાસ કરી એફ.એસ.એલ. અને ડોગ સ્કોર્ડની મદદથી તેમજ આસપાસના CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી.