પાટણ શહેરના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ માટે ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો જિલ્લા કલેકટર કચેરીના પ્રવેશ દ્વાર પાસે પ્રતિક ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. કોંગ્રેસ કાર્યકરોએ પાલિકાની નિષ્ફળતા અંગે સુત્રોચ્ચારો કરી ભાજપના તાયફા બંધ કરોના નારા લગાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. ત્યાર બાદ જિલ્લા કલેકટર આનંદ પટેલને આવેદનપત્ર આપી વિવિધ પ્રશ્નો અંગેની રજૂઆત કરી હતી.
આ રજૂઆતમાં જણાવાયું છે કે, શહેરમાં થયેલા વરસાદમાં જુદા-જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતા લોકોને ભારે હાલકીઓ વેઠવી પડે છે, રાજમહેલ રોડ પર રેલવે ફાટકના ઉબડખાબડ માર્ગ તેમજ રેલવે ઓવર બ્રિજ બનાવવા માટે પાલિકાએ સરકારમાં કોઈ દરખાસ્ત મોકલી નથી, જેને કારણે ફાટક બંધ થાય છે ત્યારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આમ પાટણ નગર પાલિકા સદંતર નિષ્ફળ નીવડ્યું છે. આ પ્રશ્નોનો સત્વરે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ કોંગ્રેસ કાર્યકરો દ્વારા આપવામાં આવી હતી.
જો કે ધારાસભ્યએ લગાવેલા આક્ષેપોને પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે પાયાવિહોણા અને વાહિયાત ગણાવ્યા હતા. નીચાણવાળી સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટેનું કામ પ્રોસેસમા હોવાનું જણાવ્યું હતું.