પાટણ : શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે. છાશવારે હાઇવે માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓને કારણે નાના-મોટા અકસ્માતના બનાવો પણ પ્રકાશમાં આવે છે. તો બીજી તરફ મોહલ્લા, પોળ અને સોસાયટીઓમાં તેમજ શહેરના જાહેર માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓની અડફેટે અનેક લોકો ઘાયલ થયા છે. છતાં પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને ડબ્બે પુરવાની કરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાને કારણે શહેરના મુખ્ય માર્ગો, હાઈવે માર્ગો તેમજ મોહલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારોમાં રખડતા પશુઓનો અડીંગો જોવા મળી રહ્યો છે.
રખડતા પશુંઓને પાંજરામાં પુર્યા : આજે શહેરના ડીસા હાઇવે માર્ગ પર રખડતા ઢોરના ટોળા જોવા મળ્યા હતા, જેથી આ બાબતે પાટણના ધારાસભ્યએ તાકીદે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસને જાણ કરી હતી. જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાની ટીમ સાથે ડીસા હાઈવે પર આવી ગયા હતા અને હાઇવે પરના પશુઓને નજીકની એક સોસાયટીમાં સ્થાનિકો અને ધારાસભ્યના સહયોગથી એકત્ર કર્યા હતા અને બાદમાં આ ઢોરોને નગરપાલિકાના પાંજરામાં પૂરીને ડબ્બે કર્યા હતા.
પાટણ નગરપાલિકાનું તંત્ર ન ધણીયાતું બન્યું છે. શહેરમાં રખડતા ઢોરનો પેચીદો પ્રશ્ન છે. જે બાબતે મેં સંકલનની બેઠકમાં પણ આ મુદ્દે રજૂઆત કરી હતી જેને અનુસંધાને જિલ્લા કલેકટરે જિલ્લાની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો સાથે બેઠક કરીને રખડતા ઢોરોને પાંજરે પુરવાની કામગીરી કરવા સુચના આપી હતી. ત્યારે આજે હાઇવે ઉપર મોટા પ્રમાણમાં રખડતા ઢોરનું ટોળું જોતા આ બાબતે મેં ચીફ ઓફિસરને જાણ કરતા તેઓએ અહીં આવીને ઢોરોને ડબ્બે કરવાની કામગીરી કરી છે. આવી કામગીરી સતત થવી જોઈએ પાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી નિયમિત રીતે નહીં કરવામાં આવે તો પાટણની પ્રજાને સાથે રાખીને હું રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરીશ. - ધારાસભ્ય કિરીટ પટેલ
હમેશા રસ્તા પર પશુંઓ બેસે છે : પાટણ શહેરના મુખ્ય માર્ગો અને હાઇવે માર્ગો ઉપર અંદાજે 800થી વધુ ગાયો અને આખલાઓ રસ્તા ઉપર બેસે છે. જે માટે આવા રખડતા ઢોરને પાંજરે પુરવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બાબતે નગરપાલિકાએ સર્વે પણ કર્યો છે અને ત્રણ દિવસમાં 70 જેટલા ઢોર પકડીને પાંજરામાં પુર્યા છે. રખડતા પશુઓને ઢોર ડબ્બે કરવાની કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા સતત ચાલુ રાખવામાં આવશે. જે ઢોર પકડાયા છે અને આ ઢોરને છોડાવવા માટે આવનાર તેમના માલિકો સામે ફરિયાદ કરવામાં આવશે તેમજ તેમની પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવશે. જો કોઈ પશુનો માલિક નહીં હોય તો આવા પશુઓને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે.
આગામી સમયમાં કામ બાબતે શું થશે : જિલ્લા કલેકટર અરવિંદ વિજયની સૂચનાને પગલે હાલ તો પાટણ નગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોરને ડબ્બે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે કે પછી બંધ કરાશે તે જોવું રહ્યું.