પાટણમાં ભારતીય શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાભારતી મેઘાવી છાત્ર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આ સમારોહને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય પરંપરાના મહંગ્રંથોમાં ગર્ભાવસ્થાથી શિક્ષણને મહત્વ આપવામાં આવ્યુ છે. જન્મ બાદ પણ બાળપણથી વિદ્યાર્થીકાળના સમયગાળામાં આપવામાં આવતું શિક્ષણ પ્રબુદ્ધ અને જવાબદાર નાગરિકનો પાયો છે. જેનું મહત્વ સમજી ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચિલ્ડ્રન યુનિવર્સીટીની સ્થાપના કરી હતી. જેમાં ગર્ભાવસ્થાથી લઈ બાલ્યકાળ દરમ્યાન બાળકોને આપવામાં આવતા પ્રાથમિક શિક્ષણ સહિતની જરૂરિયાતો મુજબનું વાતાવરણ ઉભું કરવા સંશોધનો થઈ રહ્યા છે. માતા-પિતા કરતા પણ વધુ જવાબદારી શિક્ષકો પર છે. તેમ કહી રાજ્યપાલે શિક્ષકોનું મહત્વ સમજાવ્યું હતું.
વિધાભારતી શિક્ષા સંસ્થાનમાં ગુજરાતભરમાં 60 હજારથી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી 12 જેટલી વિવિધ શ્રેણીમાં 11 વિધાર્થીઓ, 09 વિદ્યાલયો તથા પાટણના 5 વ્યવસાયી અને પૂર્વછાત્રોને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ચંદ્રક અને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા.