● 11 વોર્ડની 44 બેઠકોની મતગણતરી કરાશે
● પાટણ નગરપાલિકામાં કુલ 59.21 ટકા મતદાન થયું છે
● પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ મતગણતરી કરાશે
● 11 રાઉન્ડમાં તમામ મતગણતરી પૂર્ણ કરાશે
અમદાવાદઃ પાટણ નગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ આપ અને અપક્ષમાંથી 150 જેટલા ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવતા આ ચૂંટણી રસપ્રદ બની હતી.નગરપાલિકાની ચૂંટણીના મતદાન માં કુલ 123830 મતદારોમાંથી 39574 પુરુષ મતદારો અને 33749 મહિલા મતદારો મળી કુલ 73323 મતદારોએ મતદાન કરતા 59.21 ટકા મતદાન થયું હતું . ત્યારે મંગળવારે મતગણતરી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના BBA ભવન ખાતે કરવામાં આવશે. 11 ટેબલો પર મતગણતરી કરી 11 રાઉન્ડમાં પૂર્ણ કરાશે.
એક વોર્ડની મતગણતરી પૂર્ણ થયાં બાદ બીજા વર્ગની મતગણતરી કરાશે
યુનિવર્સિટીના BBA ભવન ખાતે વહીવટીતંત્ર દ્વારા મતગણતરીનો લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામા આવી છે. પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે નગરપાલિકાના 11 વોર્ડની મતગણતરી વોર્ડવાઇઝ શરૂ કરવામાં આવશે. એક વોર્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ જ બીજા વોર્ડની મતગણતરી શરૂ કરવામાં આવશે. મતગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. મતગણતરી પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી સ્વપ્નિલ ખરેની દેખરેખ હેઠળ કરવામાં આવશે. મતગણતરીમાં અધિકારી-કર્મચારીઓ મળી કુલ 150 જેટલા કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે.