રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર થઇ ચુકી છે, રાધનપુરમાં 21 ઓક્ટોમ્બરના રોજ મતદાન થશે, ત્યારે રાધનપુરના રાજકારણમાં રવિવારના રોજ ઠાકોર સમાજે ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર માટે મુશ્કેલી સર્જી દીધી છે. રાધનપુર વિધાનસભામાં ઠાકોર સમાજને હુકમનો એક્કો માનવામાં આવી રહ્યો છે, આ વિધાનસભામાં ઠાકોર સમાજની સૌથી મોટી વોટબેંક છે અને વોટબેન્કથી ઠાકોર સમાજના ઉમેદવારો ધારાસભ્યો બન્યા છે. પરંતુ, રાધનપુરના આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરે જે રીતે મત લઈ રાધનપુરની પ્રજા સાથે દ્રોહ કરી રાજીનામું આપી દઈને રાધનપુરમાં ફરી ચૂંટણી લઇ આવતા પ્રજાને વિચારતી કરી મૂકી છે, ત્યારે હવે રાધનપુરની પ્રજાને પણ જાણે અલ્પેશ ઠાકોર ઉપર ભરોસો ઉઠી ગયો હોય તેવા દ્રશ્યો સાંતલપુર તાલુકાના કોરડા ગામે સર્જાયા હતાં. હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો અને આગેવાનો કોરડા ગામે જાહેર સભા યોજી પોતાના મન ચાહીતા સ્થાનિક ઉમેદવાર મગનજી ઠાકોરને પોતાના અપક્ષ ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં.
આ જન મેદનીમાં મગનજી ઠાકોરને જીતાડવા માટે સમાજમાં લોક ફાળો એકઠો કરી મગનજી ઠાકોરને તન-મન-ધનથી જીતાડવા ઠાકોર સમાજે નિર્ધાર કર્યો છે. મહત્વની બાબત એ છે કે મગનજી ઠાકોર જે ભાજપના એક જૂના કાર્યકર છે. પરંતુ, સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય ન અપાતા તેઓ આજે સમાજ સાથે રહી અપક્ષ ઉમેદવારી કરી ભાજપ માટે પણ મુશ્કેલી સર્જી શકે છે.