પાટણઃ અનલોક-1માં સરકારે છૂટછાટો આપતા જનજીવન રાબેતા મુજબ બન્યુ છે. કોરોના વાઇરસનું સંક્રમણ ન વધે તે માટે સરકારે શાળા-કોલેજોમાં શૈક્ષણિક સત્ર શરૂ કરવાની મંજૂરી આપી નથી. વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે હાલની પરિસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ પધ્ધતિનો અમલ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ખાનગી શાળાના સંચાલકો વાલીઓ પાસેથી દબાણ કરીને ફીની માંગણી કરી શકશે નહીં પણ વાલીઓ તેમની અનુકૂળતાએ ફી ભરી શકશે તેવી સૂચનાઓ સરકારી આપી છે.
પાટણ શહેરમાં વિવિધ ખાનગી શાળાઓ અને ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ ઓનલાઇન પદ્ધતિ અપનાવી છે અને જે માટે સંચાલકો વાલીઓ પાસે મન ફાવે તેમ ફીની માંગણી કરી રહ્યા છે. ત્યારે પાટણ શહેર વિદ્યાર્થી યુવા સંગઠને આ બાબતે અગાઉ વિરોધ દર્શાવી જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી, છતાં ફી માફી અંગે કોઈ નિર્ણય ન આવતા બુધવારના રોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફી માફી કરવા બાબતે કલેકટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને ચાલુ શૈક્ષણિક સત્રમાં ખાનગી શાળાઓ 50 ટકા ફી માફ કરે તેવી માંગ સાથે ઉદ્દેશીને ચીટનીશ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું
યુવા સંગઠને જણાવ્યું કે કોરોના મહામારીને કારણે લોકોની આર્થિક સ્થિતિ નબળી બની છે, ત્યારે ખાનગી શાળા અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો ફીની માગણી કરી રહ્યા છે. માટે આ મહામારીને ધ્યાને લઇ વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
વિધાર્થીઓની માંગણી નહી સંતોષાય તો આગામી સોમવારથી વિધાર્થીઓ પાટણ જિલ્લા કલેકટરે કચેરી ખાતે ભૂખ હડતાલ પર ઉતરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. વિધાર્થીઓની ફી માફીની માંગને પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે પણ સમર્થન આપ્યું છે.