- પાટણમાં રામ જન્મભૂમિ મંદિર નિધિ કાર્યાલયનો વિધિવત રીતે પ્રારંભ
- એક મહિના સુધી જિલ્લામાંથી મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કરાશે
- મંદિર નિર્માણના કાર્ય માટે કાર્યાલય શરૂ કરાયું
પાટણ: પાટણમાં રવિવારે શહેરના સુભાષચોક વિસ્તારમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલયનો શુભારંભ શાસ્ત્રોક્ત વિધી સાથે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં શ્રીરામ ના જય ઘોષ સાથે કરવામાં આવ્યો હતો.
ભગવાન શ્રીરામના મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં નિધિ એકત્ર કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લા ખાતે પણ આ અભિયાન શરૂ કરાશે. ત્યારે શ્રી રામ જન્મ ભૂમિ નિર્માણ નિધિ સમર્પણ અભિયાન પાટણ જિલ્લા દ્વારા 15મી જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી નિધિ એકત્ર કરવા માટે રવિવારના દિવસે વિધિવત રીતે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ સમિતિ મારા જિલ્લા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મંદિર કાર્યના સંચાલન હેતુ આ કાર્યાલય શરૂ કરાયું છે. કાર્યાલય ખાતે યજ્ઞનું આયોજન પણ કરાયું હતું. જેમાં વિશ્વ હિંદુ પરિષદની આર.એસ.એસ.ના આગેવાનોએ યજ્ઞમાં આહુતિઓ આપી હતી.
સમયદાન સાથે યથાશક્તિ નિધિ આપવા સંતો મહંતોનું આહવાન
કડવા પાટીદારની વાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સંતો મહંતોએ કારસેવકોનું ભગવા ખેશ સાથે સ્વાગત કરી તેઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ખોરસમ ખાતે આવેલા અવધેશ આશ્રમના સંત રામ ગીરીબાપુએ પણ સમગ્ર સમાજને આ રામ કાજમા લાગી જવાનું આહવાન કર્યું હતું. રામે સૌના હૃદયમાં વસેલા છે ત્યારે આ કાર્યમાં સમયદાન સાથે યથાશક્તિ નિધિ આપવા પણ જણાવ્યું હતું. આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ ડો.જે.એચ.પંચોલીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાને સૌએ સ્વીકાર્યો છે અને તે જ રામજીના અસ્તિત્વનું પ્રમાણ છે. આદરણીય વડાપ્રધાન અને સંઘના વડા મોહન ભાગવતના હસ્તે રામ મંદિરનું ખાતમુહૂર્ત કરાયું છે અને હવે ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ હેતુ સૌએ સમયની સાથે નિધિ સમર્પણ કરવું પડશે.
કાર્યાલયના ઉદ્ઘાટન સમયે જ પાટણ નગરજનોએ ઉદાર હાથે ધન રાશિ કરી અર્પણ
પાટણ શહેર સહિત જિલ્લાના ઘરે-ઘરે સંપર્ક કરી ભગવાન શ્રી રામના જન્મ ભૂમિ પર નિર્માણ થનાર રામલલાના ભવ્ય મંદિર નિર્માણ કાર્યમાં શક્ય એટલી ધનરાશિ અર્પણ અને એકત્ર કરી સહભાગી બનવા સંતો મહંતોએ આહવાન કર્યું હતું. તો આ પ્રસંગે આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ અને પાટણની જનતાએ ભગવાન રામચંદ્રના મંદિર નિર્માણ અર્થે ઉદાર હાથે પોતાની ધન રાશિ પણ અર્પણ કરી હતી.